તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલીટી ચેક:તંત્રની સત્તા પર તરાપના નિર્ણયમાં સ્ટેન્ડીંગના સભ્યોને જ ટપ્પો પડતો નથી, ટેન્ડરિંગ અને O&M ની અજ્ઞાનતા

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધીરૂભાઈ ધામેલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ - Divya Bhaskar
ધીરૂભાઈ ધામેલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ
  • સૌરાષ્ટ્ર સમાચારે દરેક સભ્યોને ટેન્ડરિંગ અને O&M બાબતે પુછતા મોટાભાગના સભ્યો અજાણ, ઘણાં મહિલા સભ્યો માત્ર નામના પતિદેવ જ વહીવટ સંભાળે છે

ભાવનગર મહાનગરપાલિકામાં ગત 29મી મેના રોજ મળેલી સાધારણ સભામાં શાસક પક્ષે વધારાનું કાર્ય મૂકી કરેલો ઠરાવ ઐતિહાસિક બની ગયો છે. કારણકે રાજ્યની અન્ય મોટી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવી મહાનગરપાલિકાના શાસકો જે નિર્ણય કરી નથી શક્યા અથવા તો અન્ય મહાનગરપાલિકાના શાસકોને તેમના શહેરના વિકાસ માટે વિચાર નથી આવ્યો તે નિર્ણય ભાવનગર કોર્પોરેશને કર્યો છે. જમીન વેચાણમાં વેલ્યુએશન કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પ્રથમ પરામર્શ કરવો ત્યારબાદ નિકાલ કરવાનો, કોર્પોરેશનની સ્થાવર કે જંગમ મિલકતના O&M થી ચલાવવા દેવા અને ખાસ પ્રકારની સુવિધાનું O&M કરવા તેમજ વિકાસ કામના ટેન્ડરિંગની પ્રક્રિયા કરતાં પૂર્વે ટેન્ડરના નિયમો અને શરતો સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પ્રથમ પરામર્શ કરી ત્યાર બાદ કાર્યવાહી કરવા ઠરાવ કરાયો છે.

આ ઠરાવ પરથી સ્પષ્ટપણે અધિકારીઓની કાર્યપદ્ધતિ શંકાના દાયરામાં આવે છે. શાસકોને અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાની શંકાના આધારે તેના પર બ્રેક લગાવવા ઠરાવ કરાયો હોવાનું આજે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પૃચ્છા કરતા સ્પષ્ટ અભિપ્રાય રહ્યો હતો. તદુપરાંત ઠરાવના ગેરફાયદા પણ એટલા જ રહેશે.

દરેક વિકાસ કામના ટેન્ડર પૂર્વે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ પરામર્શ કરવા આવતા વિકાસ કામોનો મોડું થવાની પણ શક્યતા છે. તેમજ શાસક પક્ષ પાસે ટેન્ડર પૂર્વે કાર્ય આવતા તેમાં પણ સભ્યોની ચંચુપાત અને મારા તારાની શક્યતા બળવત્તર બની છે. હાથમાં તેના મોમાં ની જેમ સત્તાનો વ્યક્તિગત ફાયદો ઉઠાવવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા અને O&M નો જે સભ્યોએ પરામર્શ કરવાની છે અને તેનો નિર્ણય કરવાનો છે તે બાબતે મોટાભાગના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ટપ્પો જ પડતો નથી.

ટેન્ડરિંગમાં શું આવે ? O&M એટલે શું? તેનું પણ સભ્યો સામાન્ય જ્ઞાન ધરાવતા નથી. એકલદોકલ સભ્યો પર આધાર રાખી બાકીના મોટા ભાગના સભ્યોને માત્ર મંજુરીમાં સહી કરાવવા જ રાખ્યા હોય તેવો આજે દિવ્યભાસ્કર સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા દરેક સભ્યોને ટેલિફોનિક પૂછતાં તેઓની અજ્ઞાનતા બહાર આવી હતી.

વિકાસ કાર્યો સારી ગુણવત્તાના થાય તે હેતુ
ટેન્ડર બાબતે નોલેજ છે. વિવેકબુધ્ધી મુજબ શરતોમાં ફેરફાર કરી વધુ સારૂ કામ થઈ શકે તેવો પ્રયત્ન છે. વિકાસ કામોની દરખાસ્તમાં જરૂર લાગે ઉમેરો કરવો પડે તો કરવામાં આવશે.મારી લેવલે કોઈ વિકાસ કાર્યોનો સમય ના બગડે તેની પણ તકેદારી રખાશે.> ધીરૂભાઈ ધામેલીયા, ચેરમેન સ્ટેન્ડીંગ

ચોક્કસ એજન્સીને કામ નહીં મળે
ટેન્ડરમાં ઘણાં મોટા કામમાં એવી શરતો મુકવામાં આવી હોય છે કે તેમાં ચોક્કસ એજન્સીને જ કામ મળી શકે. જેમાં ફેરફાર કરવા તેમજ વધુ સારી ગુણવત્તાના કામ થાય તેમજ જમીન વેચાણમાં પણ કોર્પોરેશનને ફાયદો થાય તેવા પ્રયત્નો માટેનો પ્રયત્ન છે.> પંકજસિંહ ગોહિલ, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​વધુ એજન્સી ભાગ લઈ શકે તે હેતુ
ટેન્ડરમાં જ એવી શરતો મુકી હોય છે કે તેમાં એકલ દોકલ એજન્સી સિવાય કોઈ ભાગ ના લઈ શકે જેથી વધુ એજન્સીઓ ભાગ લઈ શકે તે ઉપરાંત જમીનના વેચાણમાં પણ વેચાણ પૂર્વ તેની વેલ્યુ નક્કી થઇ જાય તે જરૂરી છે. જે માટે ઠરાવ કરાયો છે.> કુલદિપભાઈ પંડ્યા, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​કોર્પો.માં માનિતાને વધુ કામ અપાય છે
જમીન વેચાણના ઠરાવ કરવામાં આવે છે તેમાં બજારભાવ કરતાં પણ ઓછા ભાવે અધિકારીઓ વેચી નાખે છે તેથી કોર્પોરેશનને નુકસાન થાય છે. તેમજ ટેન્ડરમાં પણ માનીતી એજન્સીને જ કામ મળે 23 શરતો મૂકવામાં આવે છે. જેથી ઠરાવ કરવામાં આવ્યો છે.> નરેશભાઈ ચાવડા, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​અમને નોલેજ નથી બીજા સભ્યોને હોય
કોર્પોરેશનની સાધારણ સભામાં ઠરાવ કરાયો છે. પરંતુ અમે સ્ટેન્ડીંગ કમીટીમાં નવા છીએ એટલે ટેન્ડર કે O&Mનું અમને નોલેજ નથી પરંતુ કમિટીમાં અન્ય જુના અનુભવી સભ્યો તો હોય. જેને બધી બાબતોનો ખ્યાલ જ હોય.> શારદાબેન મકવાણા, સભ્ય સ્ટેન્ડીંગ

વિકાસ કામના ટેન્ડરમાં પારદર્શિતા
વિકાસ કામોના ટેન્ડર પ્રક્રિયા ખાસ કોઇ ખ્યાલ નથી સામાન્ય જ્ઞાન છે. પરંતુ ટેન્ડરમાં જે એજન્સીએ ઓછા ભાવ ભર્યા હોય તેને કામ સોંપવાનું હોય. ટેન્ડરમાં પારદર્શિતા હોય છે. કોર્પોરેશનને વધુ ફાયદો થાય તે માટે ઠરાવ કરાયો છે.> ભારતીબેન બારૈયા, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​ચેરમેન ઓથોરિટી છે તેને પુછી જુઓને
મ્યુ. કોર્પોમાં થતા ટેન્ડરીંગ કે O&M બાબતે નોલેજ તો નથી પરંતુ નિયમો કે જે કાર્યવાહી કરવાની હોય તેની ઓથોરિટી ચેરમેન છે તેને જ પુછી જુઓને.> યોગીતાબેન ત્રિવેદી, સભ્ય સ્ટેન્ડીંગ

ના આ બાબતનો કોઈ ખ્યાલ નથી
વિકાસ કામના ટેન્ડરીંગ કે O&M જેવી અન્ય બાબતોનો અમને કોઈ ખ્યાલ નથી. હજુ અમે નવા છીએ અનુભવ નથી અમારે પણ બે જણાને પુછવું પડે. > વિલાસબેન રાઠોડ, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​ટેન્ડરનો વધુ અભ્યાસ કરશું
કોર્પોરેશનના જુદા જુદા કામમાં ટેન્ડર પ્રક્રિયા અલગ અલગ હોય છે. હજુ અમને ટેન્ડર કે O&M બાબતે કોઈ ખ્યાલ નથી પરંતુ અભ્યાસ કરીશું આગામી દિવસોમાં આવડી જશે.> ભરતભાઈ ચુડાસમા, સભ્ય સ્ટેન્ડીંગ

ગુણવત્તાવાળા કામ માટે પ્રક્રિયા
કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવતા ટેન્ડર બાબતે સામાન્ય નોલેજ છે. પરંતુ ખાસ કરીને વિકાસ કામોમાં મજબૂતીકરણ અને ગુણવત્તાયુક્ત કાર્ય થાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. > નીતાબેન બારૈયા, સભ્ય સ્ટેન્ડીંગ

ટેન્ડર બાબતની કોઇ જાણકારી નથી
સામાન્ય સભામાં વધારાના કાર્યનો ઠરાવ થયો છે પરંતુ ટેન્ડરીંગ પ્રક્રિયા કે મિલકતનું O&M બાબતે કોઈ જાણકારી નથી. તે બાબતે ચેરમનને પૂછી જુઓ. > ભાવનાબેન સોનાણી, સભ્ય સ્ટેન્ડીંગ

​​​​​​​ટેન્ડરનો ખ્યાલ નથી, પણ પડી જશે
કોર્પોરેશનના વિકાસ કામોના ટેન્ડર કે O&M બાબતે મને કોઈ નોલેજ નથી. ધીરે ધીરે બધો ખ્યલા પડી જશે. હજું અમે નવા છીએ. અધિકારી પાસેથી સત્તા લેવાનો પ્રશ્ન નથી.> દિલિપ જોબનપુત્રા, સભ્ય સ્ટેન્ડીંગ

અન્ય સમાચારો પણ છે...