ફટાકડા સ્ટોલમાં જ ફટાકડા ફૂટ્યા!:ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર રસ્તા પર ધમધમતા સ્ટોલમાં આગ લાગતા અફરાતફરી મચી, કોઈ જાનહાનિ નહીં

ભાવનગરએક મહિનો પહેલા
  • દિવાળી પહેલા જ કુંભારવાડા વિસ્તારમાં દિવાળીની માફક ફટાકડાના અવાજ સંભળાયા
  • સમગ્ર ઘટના મામલે ફાયરબ્રિગેડ અજાણ!

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રસ્તા પર ઉભા કરાયેલા ફટાકડાના એક સ્ટોલમાં આજે સાંજના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સ્ટોલમાં ભીષણ આગ અને ધડાકાના અવાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે, આ સમગ્ર મામલે ફાયરબ્રિગેડ અજાણ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ જ આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સદનસીબે જાનહાનિ થતા અટકી
દિવાળીને હવે બે જ દિવસ બાકી રહ્યા હોય ફટાકડા બજારમાં પણ ધૂમ ખરીદી નીકળી છે. પરવાના સાથે ફટાકડાના વેચાણ સાથે કેટલાક વેપારીઓ ગેરકાયદે રીતે ફટાકડાના વેચાણ પણ શરૂ કરી દેતા હોય છે. જાહેર રસ્તા પર ફટાકડાના વેચાણને મંજૂરી જ ના મળે તે રીતે સ્ટોલ ઉભા કરી દેવાતા હોય છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર રસ્તા પર ઉભા કરાયેલા સ્ટોલમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ગણતરીની જ મિનિટોમાં આખો સ્ટોલ આગની ચપેટમાં આવ્યો હતો. આ વિસ્તારમાં દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી હતી. જો કે, સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.

આગની ઘટના અંગે ફાયરબ્રિગેડ અજાણ!
કુંભારવાડા વિસ્તારમાં આગની જે ઘટના બની હતી તે સ્થાનિક લોકોએ જ સમય સૂચકતા વાપરી કાબૂમાં લીધી હતી. આ મામલે ફાયરબ્રિગેડ સંપૂર્ણ અજાણ જોવા મળી હતી. મહત્વનું છે કે, ફટાકડાના સ્ટોલના ધારકોએ ફાયર વિભાગનું એનઓસી લેવું પણ ફરજિયાત હોય છે. પરંતુ, આગ અંગે ફાયરબ્રિગેડને જાણ જ ના કરાઈ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...