ભાવનગર જિલ્લામાં તેમાં પણ ખાસ કરીને સરકારી પડતર જગ્યા અને નદીના પટ પરના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી બેફામ રીતે ભુતડો માટી અને રેતી ચોરીના કૌભાંડ આચરી રહ્યા છે. ગ્રામજનો, ગ્રામ પંચાયત અને તલાટી મંત્રીઓ સહિતના દ્વારા વારંવાર સંબંધિત વિભાગોને જાણ કરવા જતા રેતી ચોરી કૌભાંડ અટકવાનું નામ લેતું નથી.
જેમાં મુખ્યત્વે જે તે ગામ અને વિસ્તારના સ્થાનિક અધિકારીઓ ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ જવાબદાર છે. ખુલ્લેઆમ થતી રેતી ચોરી તંત્રને દેખાતી નથી. રેતી ચોરી કરતા શખ્સો સાથે ખાણ ખનીજ વિભાગના કર્મચારી અધિકારીઓની સાંઠ ગાંઠ હોવાના પણ અવાર નવાર આક્ષેપો થઈ રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં ખુલ્લેઆમ તંત્રની છાતી પર ચડી થઈ રહેલી રેતી ચોરી સામે પગલાં ભરવામાં તંત્ર પાંગળુ પુરવાર થઈ રહ્યું છે. એકલદોકલ રેતી ચોરી કરતા ટ્રક પકડી ઓન રેકોર્ડ કામગીરી દેખાડી રહ્યા છે. રોયલ્ટી ચોરી કરતા શખ્સો સાથે સંકળાયેલા અમુક લોકો નિયમિતપણે ખાણ ખનીજ વિભાગની કચેરીમાં જ ડેરો જમાવીને બેઠા હોવાની પણ ચર્ચા ગ્રામજનોમાં થઈ રહી છે.
તદુપરાંત જ્યારે પણ ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા રેતી ચોરોને પકડવા ડ્રાઇવ ગોઠવે છે ત્યારે પણ અધિકારીઓની ગાડી પાછળ પાછળ વાહનો દોડાવી દરોડાના સ્થળની માહિતી અગાઉથી રેતી ચોરોને આપી દેતા દરોડા પણ ફોક જાય છે. બે ત્રણ વર્ષ પહેલા ગારીયાધાર મામલતદાર કચેરીના બે નાયબ મામલતદાર રેતીના ડમ્પર ચાલક પાસેથી મોટી રકમની માંગ કરતા એસીબીમાં પકડાયા હતા.
મોનિટરિંગ થાય છે, મામલતદાર અને પ્રાંત પગલા લઈ શકે
કોઈપણની રોયલ્ટી ચોરી કે ગેરકાયદેસર ખોદકામની ફરિયાદ આવે તુરંત અમારી ટીમ દ્વારા ચેકિંગ કરી પગલા ભરાય છે. ટીમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરાય છે. તદુપરાંત જેતે વિસ્તારમાં મામલતદાર અને પ્રાંત અધિકારી પણ ફરિયાદ કે જાણકારીના અનુસંધાન તપાસ કરી પગલા લેવાની સત્તા ધરાવે છે. > વિજય સુમેરા, જીઓલોજીસ્ટ
રાજગઢ-પાટણાની સીમમાં બેફામ ખોદકામ
ભાવનગર તાલુકાના રાજગઢ તથા વલભીપુર તાલુકાના પાટણા ગામની સીમ વચ્ચે આવેલી બંને ગામની સરકારી અને ગૌચરની જમીનમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 300 મીટર X 2500 મીટર X 300 મીટર લગભગ 18 કરોડ ઘનમીટર માટીનું અનઅધિકૃત ખોદકામ કરેલું હોવાનું રાજગઢ તથા પાટણા ગામની સીમના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે.
અને વધુમાં જણાવ્યું છે કે આ અનઅધિકૃત ખોદકામને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં સ્થાનિક અધિકારીઓ સહિત ખાણ ખનીજના અધિકારીઓ સામે પણ લાંચ રૂશ્વત કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવા માગણી કરી છે.
આ રહ્યા ભુતડા,માટી અને રેતી ચોરીના સ્થળ
જિલ્લામાં રેતી માટે અને ભૂતડાનું ગેરકાયદેસર રીતે ખોદકામ થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને સામપરા સિદસર તળાવની પાળ પાછળ, ભીકડામાં ભીકડા ડેમની પાછળ, ચિત્રા સીદસર રોડ, ફરીયાદકા સીદસર રોડ, વલભીપુરમાં ઘેલા નદીના કાંઠે આણંદપર મેઘવદર, નવાગામ ગાયકવાડી ગામ પાસે આવેલ નદીમાંથી, ઉમરાળા તાલુકામાં કાળુભાર અને રંઘોળી નદી ધારૂકા, માલપર, ગોલરામા, ઉમરાળા,રતનપર, તરપાળા,ભડી, ભંડારીયા, ડુંગર,હોઈદડ અને ગુંદી ગામ વચ્ચે પસાર થતી માલેશ્રી નદીમાંથી તેમજ લાખણકા અને થડની સીમમાંથી, હાથબ ગામની સીમમાંથી બગીચાની લાલ માટી, થોરડીમાંથી બેન્ટોનાઈટ ભૂતડો, તળાજા તાલુકાના મીઠીવીરડી અને તળાજા તાલુકામાં તળાજી નદીના પટમાંથી છેક માખણીયાથી શરૂ કરી શેત્રુંજી નદી જ્યાં દરિયામાં સમાઈ જાય છે.
સરતાનપર ગામ સુધીના પટ્ટામાં વ્યાપક પ્રમાણમાં રેતીની ચોરી થાય છે. આવું જ ઉમરાળા તાલુકામાં રંઘોળી અને કાળુભાર નદીના પટમાંથી, જેસર અને ગારીયાધારમાં શેત્રુંજી નદીના પટમાંથી તમામ ગામોમાં જ્યાં નદી પસાર થાય છે ત્યાંથી રેતીની ચોરી થાય છે.
થોરડી પીથલપુર ગામની સીમમાંથી આવેલ સરકારી જમીનમાં અનઅધિકૃત ખોદકામ કરી મોટા પ્રમાણમાં મેટલ ચોરી કરવામાં આવી રહી છે. વરતેજ માલેશ્રી નદીના પટમાંથી વરતેજ અને કરદેજ વચ્ચે ખોદકામ કરી તમામ ખનીજ ભાવનગર અમદાવાદ વચ્ચે રોડમાં આ મેટલ વપરાય છે.
રેતી ચોરીની 4-5 વર્ષની ફરિયાદ નજર અંદાજ
લાખણકા ગામે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટ તેમજ કાળી માટી અને દરિયા કિનારેથી રેતી નો ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં હાલમાં પણ બેફામ રીતે રેતી અને માટી ચોરી થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.