જીએસટી સંબંધિત ગેરરીતિઓથી ઘેરાયેલા ભાવનગરમાં ગત 7મી જુલાઇથી ગેરરીતિઓ સંબંધિત કરવામાં આવી રહેલી કામગીરીમાં 9 લોકોની ધરપકડ કરાઈ છે. મોહમ્મદઅબ્બાસ રફીકઅલી મેઘાણીના રીમાન્ડ સોમવારે પૂર્ણ થતા તેને સાબરમતિ જેલમાં ધકેલવામા઼ આવ્યો છે. જ્યારે નિલેશ પટેલને હાજર થવા માટે બુધવાર સુધીની મહેતલ કોર્ટ દ્વારા અપાઇ છે.
મોહમ્મદઅબ્બાસ મેઘાણી (એમ.એમ.)ની ભાવનગરમાંથી તા.2 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદની ચિફ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ તેને રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેના 5 દિવસના અને બાદમાં સોમવાર સુધીના રીમાન્ડ આપવામાં આવ્યા હતા. આ રીમાન્ડ પૂર્ણ થતા એમ.એમ.ને સાબરમતિ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
માધવ કોપર લિમિટેડ પર કરવામાં આવેલી દરોડાની કામગીરી દરમિયાન રૂપિયા 739 કરોડની ગેરરીતિ સપાટી પર આવી હતી, અને છેલ્લા એક માસથી માધવ કોપરના નિલેશ પટેલ ફરાર છે. તેને પકડવા માટે સરકારી વિભાગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવેલી હતી અને કોર્ટે બુધવાર સુધીમાં નિલેશ પટેલને હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યુ છે.
દરમિયાન ભાવનગરમાંથી મોટાભાગના બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકો સ્થળાંતરીત થઇ ગયા છે, પરંતુ જીએસટી સંલગ્ન સ્ટેટ જીએસટી અન્વેષણ વિભાગ, ડીજીજીઆઇ, સેન્ટ્રલ જીએસટી અમદાવાદ સહિતના સરકારી વિભાગો બાજ નજર રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.