પરીક્ષા:આગામી વર્ષે 14 માર્ચથી ધો.10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા લેવાશે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વર્ષે અભ્યાસક્રમમાં કોઇ ઘટાડો નહીં કરાય
  • આ સત્રમાં ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા આગામી 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા 14મી માર્ચથી 31 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે આ વર્ષે શાળાકીય કક્ષાએ જે ધોરણ નવ થી 12 ની પ્રથમ પરીક્ષા લેવામાં આવે છે તે 10મી ઓક્ટોબરથી 18 મી ઓક્ટોબર દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2022-23ના વર્ષમાં શાળાકીય શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૂચના અપાઇ છે કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં કોઈપણ પ્રકારે ઘટાડો કરવામાં આવશે નહીં. ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.

ગુજરાત બોર્ડના સચિવ એન.જી.વ્યાસે જણાવ્યું છે કે જુલાઈની પૂરક પરીક્ષા આ વર્ષે લેવાઈ ગઈ છે. હવે ધો. 9થી 12ની તમામ પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. ધો.9 થી 12 માટે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે અને ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 31 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ નવ અને 11 ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ, 2023 દરમિયાન લેવામાં આવશે. ધો.9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના કોર્સમાંથી 30 ટકા અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના કોર્સમાંથી 70% અભ્યાસક્રમ રહેશે.

10 નવેમ્બરથી દ્વિતીય સત્ર
દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ દસમી નવેમ્બરથી ધોરણ 9 થી 12 માં દ્વિતીય સત્રનો આરંભ થશે અને 30 એપ્રિલ,2023 સુધી દ્વિતીય સત્ર રહેશે અને તેમાં શૈક્ષણિક કાર્યના 137 દિવસો હશે. ઉનાળુ વેકેશન પહેલી મેથી 4 જૂન દરમિયાન 35 દિવસનું રહેશે.

20 ઓક્ટોબરથી દિવાળી વેકેશન
ચાલુ થયેલા શૈક્ષણિક વર્ષમાં 21 દિવસે દિવાળી વેકેશન 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન રહેશે. પ્રથમ સત્ર 13 જૂનથી 19 ઓક્ટોબર દરમ્યાન રહેશે અને તેમાં કાર્યના દિવસો 104 હશે.

7 ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ કસોટી
ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રખરતા શોધ કસોટી આગામી વર્ષે તા. 7મી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...