ભાવનગર શહેરના શિક્ષણના હબ ગણાતા કાળિયાબીડ વિસ્તારમાં લાંબા સમયની માંગણી બાદ પોલીસ સ્ટેશનને મંજુરી મળી ગઇ છે. કાળિયાબીડ જેવા ભાવનગરના મહત્વના વિસ્તારને જીતુ વાઘાણીના પ્રયાસથી પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. જો કે, બોરતળાવ તથા નિલમબાગ પોલીસ મથકમાં કાળિયાબીડ વિસ્તાર આવે છે ત્યારે કાળિયાબીડ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન મંજુર થતા બોરતળાવ તથા નિલમબાગ પોલીસ મથકના કર્મચારીઓનું કાર્ય ભારણ ઘટશે તેમ જાણવા મળ્યું હતું.
કાળિયાબીડ વિસ્તાર એક નવો શૈક્ષણિક હબ તરીકે વિકસીત થઇ રહ્યો છે અને 50 હજાર કરતા વધુ નાગરિકો ત્યાં વસવાટ કરે અને હાલ આ વિસ્તારમાં હંગામી પોલીસ ચોકી જ કાર્યરત હતી ત્યારે હવે એક પી.આઇ. સહિત 75 લોકોના મહેકમ સાથેનું અત્યાધુનિક પોલસ મથક આકાર પામશે અને તેના માટે જમીન પણ મંજુર થઇ ગઇ છે. ભાવનગર શહેરમાં હાલ 5 પોલીસ મથક કાર્યરત છે ત્યારે વધુ એક કાળિયાબીડમાં પોલીસ મથકને મંજુરી મળતા શહેરમાં કુલ 6 પોલીસ મથક કાર્યરત બનશે જેથી ભાવનગરના નાગરિકો આગામી સમયમાં વધુ સલામતીનો અનુભવ કરશે.
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 3 પોલીસ મથકો મંજુર કરવામાં આવેલ છે જે પૈકી એક ભાવનગરના કાળિયાબીડ અને પશ્ચિમ વિધાનસભાને પ્રાધાન્ય આપી એક પોલીસ મથક મંજુર કરાયું છે. શહેરના વિકસેલા કાળિયાબીડ વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનાવવાને મંજુરી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતના 7 પૈકી ભાવનગરના 2 પોલીસ મથકને અપગ્રેડ કરવા મંજુરી આપી છે.
જેમાં ભાવનગરના બોરતળાવ અને વરતેજ પોલીસ મથકને સમાવી લેવામાં આવ્યા છે જેમાં હાલ વરતેજ પોલીસ મથક પી.એસ.આઇ. સંચાલિત છે જ્યારે આ પોલીસ મથકને અપગ્રેડ કરી પી.આઇ. દ્વારા સંચાલન કરાશે તથા આ બંન્ને પોલીસ મથકો માટે જી.આઇ.ડી.સી વિસ્તારમાં જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. આમ, રાજ્ય સરકારે 1 અત્યાધુનિક પોલીસ મથક તથા 2 પોલીસ મથકને અપગ્રેડ કરવાની મંજુરી આપતા જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.