ચેરિટી તંત્રને વધુ સુદ્રઢ બનાવાશે:બોટાદ સહિત આઠ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું નિર્માણ થશે, મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમૂર્હૂત કરાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરિટી તંત્ર સમાજની લાગણી સાથે જોડાયેલું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે ચેરિટી તંત્રને અભિનંદન પાઠવ્યાં

બોટાદ સહિત આઠ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું નિર્માણ થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં રૂ.22 કરોડના ખર્ચે નવા નિર્માણ થનારા 8 ચેરિટી ભવનોનું ઈ-ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું. બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત વીડિયો કોંફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી, બોટાદને ફાળવેલી જમીનનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું અને તકતીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયમંત્રી દેવા માલમ, કાયદા સચિવ રાવલ, ચેરીટી કમિશ્નર શુકલા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે તેમ જણાવી મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની પણ સરાહના કરી હતી.

તેમણે જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે.

આ કાર્યક્રમમાં કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમા ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટી તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે વધુ આઠ જિલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરીટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.

આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બીજલ શાહ, મદદનીશ ચેરિટી કમિશનર જે.કે.ગોંડલિયા, જિલ્લા પોલીસ અધિકક્ષ કરનરાજ વાઘેલા, નિરીક્ષક બી.એચ.પરમાર, હિસાબનીશ ડી.કે.મકવાણા, ટ્રસ્ટી સર્વ પ્રભુ ત્રાસડીયા, બાપુ ધાધલ, મનુ જાદવ, વકીલ હિરેન શાહ સહિત અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...