આવતીકાલ તા.13 જૂનને સોમવારથી ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2022-23 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે. 35 દિવસના ઉનાળે વેકેશન બાદ જ્યારે કોરોનાના કેસ ફરીથી ધીમી ગતિએ વધી રહ્યાં છે ત્યારે શાળાઓમાં વર્ગખંડોમાં પ્રથમ સત્રના શિક્ષણ કાર્યનો સોમવારથી આરંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં 12થી 14 તેમજ 15થી 17 વર્ષના કુલ 42,465 વિદ્યાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી છે.
વેકેશનમાં હરવા ફરવા ગયેલાં વિદ્યાર્થીઓને સંક્રમણ થઈ શકે તેમ હોય લક્ષણ ધરાવતાં વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં મોકલવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે. ત્યારે હવે ખાસ તો શાળઓમાં કોરોના રસીકરણ માટે જાગૃતિ અભિયાન ચાલુ કરવાની જરૂરિયાત છે જેથી વિદ્યાર્થીઓ કોરના સામે સુરક્ષિત થઇ જાય. ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝમાં 13,232 અને બીજા ડોઝમાં હજી 29,233 બાળકોને કોરોના રસીકરણ કરવાનું બાકી છે.
ભાવનગર શહેરમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. વિવિધ શાળાઓમાં અપાયેલ યાદી મુજબ વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાત મુજબના પાઠયપુસ્તક તેમજ નોટબુકની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જેને લઈ વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં 20 ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. હાલના હરિફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુ બની રહ્યું છે.
ભાવનગર શહેરમાં કોરોનાના નવા કેસ ધીમી ગતિએ વધી રહ્યાં છે ત્યારે ખાસ તો વિદ્યાર્થીઓમાં કોરોના રસીકરણ થઇ જાય તે આવશ્યક છે. જેથી 12થી 17 વર્ષના તમામ બાળકો કોરોના સામે સુરક્ષિત થઇ જાય.
12થી 14 વર્ષમાં શહેરમાં વોર્ડમાં પ્રથમ ડોઝમાં 92 ટકા સાથે વડવા વોશિંગઘાટ વોર્ડ અને બીજા ડોઝમાં 91 ટકા સાથે કુંભારવાડા વોર્ડ ટકાવારીમાં પ્રથમ છે. જ્યારે 15થી 17 વર્ષમાં 102 ટકા સાથે ભીલવાડા તથા આખલોલ જકાતનાકા તેમજ બીજા રાઉન્ડમાં 119 ટકા સાથે કાળિયાબીડ પ્રથમ છે.
શહેરમાં 12 થી 14 વર્ષમાં રસીકરણ | |
કુલ લક્ષ્યાંક | 23122 |
પ્રથમ ડોઝ | 14942 |
ટકાવારી | 65% |
બીજો ડોઝ | 7905 |
ટકાવારી | 53% |
શહેરમાં 15 થી 17 વર્ષમાં રસીકરણ | |
કુલ લક્ષ્યાંક | 44492 |
પ્રથમ ડોઝ | 39430 |
ટકાવારી | 89% |
બીજો ડોઝ | 30466 |
ટકાવારી | 77% |
શહેરમાં 12 થી 17 વર્ષમાં રસીકરણ | |
કુલ લક્ષ્યાંક | 67604 |
પ્રથમ ડોઝ | 54372 |
ટકાવારી | 80.43% |
બીજો ડોઝ | 38371 |
ટકાવારી | 56.76% |
29,243ને બીજો ડોઝ લેવાનો બાકી
ભાવનગર શહેરમાં 12થી 14 વર્ષના 15,217 તથા 15થી 17 વર્ષના 14,026 મળીને 12થી 17 વર્ષના કુલ 29,243 બાળકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ માટે ઝડપ અને જાગૃતિ લાવવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 18 વર્ષથી વધુ વયના લોકોમાં ભાવનગર શહેરમાં 100 ટકા થી વધુ રસીકરણ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.