સિગ્નલો તોડનારા હવે સરળતાથી ઝડપાશે:ભાવનગરમાં નેત્રમે સિગ્નલો તેમજ સર્કલો પર RLVD કેમેરા શરૂ કર્યા, ટ્રાફિક નિયમો તોડવા પર રૂપિયા 500નો દંડ

ભાવનગર21 દિવસ પહેલા
  • STOP લાઈન આગળ વાહન ઉભું રાખ્યું તો કેમેરો ઓટોમેટીક ફોટો કેપ્ચર કરી ઈ-ચલણ જનરેટ કરશે
  • ભાવનગર પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ

ભાવનગર શહેરમાં આવેલા સિગ્નલો પર નેત્રમ દ્વારા RLVD (રેડલાઈન વાયોલન્સ ડિટેક્શન) કેમેરાઓ કાર્યરત કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત જો તમે વાહન STOP લાઈનની આગળ ઉભું રાખ્યું કે પછી રેડ લાઈટ શરૂ હોવા છતાં સિગ્નલ તોડી વાહન લઈ પસાર થયા તો કેમેરો ઓટોમેટીક ફોટો કેપ્ચર કરી તમારું ઈ-ચલણ જનરેટ કરશે અને રૂપિયા 500નો દંડ ભરવો પડશે. એટલે વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું ફરજિયાત બની રહેશે.

ટ્રાફિક સિગ્નલ તોડનારા અને સિગ્નલ પર સ્ટોપ લાઈનથી આગળ વાહન ઉભું રાખનારા વાહન ચાલકો માટે આ બાબત એક ચેતવણી સમાન છે. સોમવારથી સિગ્નલ તોડવા પર કે સ્ટોપ લાઈનથી આગળ વાહન રાખવા પર ઈ-ચલણથી દંડ ફટકારવાના શરૂ થઈ ગયા હતા. ભાવનગર શહેરમાં લગાડવામાં આવેલા RLVD કેમેરા મારફતે શહેરના સિગ્નલો પર રેડ લાઈટ શરૂ હોવા છતાં સિગ્નલ તોડી વાહન પસાર કરનારા તથા સિગ્નલ પર સ્ટોપ લાઈનથી આગળ તથા ઝિબ્રા ક્રોસિંગ પર વાહન ઉભું રાખનારા વાહન ચાલકો સામે કાર્યવાહી હવે ઓટોમેટિક કેમેરા કરશે.

આ અંગે ડીવાયએસપી ડી.ડી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા અને અકસ્માતમાં ઘટાડો કરવા તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ ન કરે એટલા માટે ભાવનગર શહેરના તમામ સિગ્નલો તેમજ સર્કલો પર કેમેરા મુકવામાં આવ્યા છે. સિગ્નલો પર STOP લાઈન રાખવામાં આવી છે અને તેની આગળ ઝીબ્રા ક્રોસીંગ રાખવામાં આવ્યું છે. જેથી રેડ સિગ્નલ ચાલુ હોય ત્યારે રાહદારીઓ ચાલી શકે અને અકસ્માતનો ભોગ ન બને. RLVD કેમરા મારફતે જ્યારે રેડ સિગ્નલ શરૂ હોય ત્યારે STOP લાઈનથી આગળ ઉભા રહે તેવા વાહન ચાલકો માટે આ એક ચેતવણી સમાન છે. ટ્રાફિક સિગ્નલ પરના આ નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને આ કેમેરાઓ દ્વારા ઓટોમેટિક કેપ્ચર કરી ઈ-ચલણથી દંડ લેવામાં આવશે. તેમજ તમામ ભાવનગરવાસીઓને જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ તમામ ટ્રાફિકના નિયમોનું પાલન અવશ્ય કરે.

અન્ય સમાચારો પણ છે...