ખેલૈયાઓમાં ઉત્સાહ:શેરી-રાસ ગરબા સાથે આજથી નવરાત્રિનો આરંભ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકો આજથી શક્તિ ઉપાસનાનો કરશે આરંભ, પ્રોફેશનલ રાસોત્સવ સતત બીજા વર્ષે બંધ

શક્તિ આરાધનાના મહાપર્વ નવરાત્રિનો આવતી કાલ તા.7 ઓક્ટોબરને ગુરૂવારથી આરંભ થશે. ત્યારે સતત બીજા વર્ષ. શહેરમાં કોમર્શિયલ અર્વાચીન રાસોત્સવના આયોજન થવાના નથી. જો કે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. બીજી બાજુ આવતી કાલ ગુરુવારે શુભ મુહૂર્તમાં ઘરે માતાજીના ગરબાનું શાસ્ત્રોક્તવિધિથી સ્થાપન કરીને શક્તિ આરાધનાનો આરંભ કરવામાં આવશે. ભક્તો અનુષ્ઠાન કરશે.

નોરતાના પ્રથમ દિવસનું સ્વરૂપ એ માતા દુર્ગાનું સ્વરૂપ “શૈલપુત્રી” તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપમાં પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયના ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હીવાથી તે “ શૈલપુત્રી” તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મુલાધાર ચક્ર’ માં સ્થિર કરે છે. સાધનાનો આરંભ અહીથી થાય છે. માં પાર્વતિએ યોગગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું અને પછી પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ ધારણ કર્યો. અને એટલે એનું નામ ‘શૈલપુત્રી’ તરીકે ખ્યાત થયું. એમનું વાહન વૃષભ(બળદ) છે. દેવાધિદેવ ભગવાન શિવ એમના પતિ છે.

નવરાત્રિના પ્રથમ દિવસથી ભક્તો માતાજીની ભક્તિમાં એકલિન થશે. સતત બીજા વર્ષે શહેરમાં યુવાવર્ગના ફેવરિટ અર્વાચીન રાસગરબા થવાના નથી. ગત વર્ષે તો કોરોનાનો રોગચાળો ફેલાયેલો હતો આ વર્ષે હાલ કોરોના તો કાબૂમાં છે પણ હવે કોમર્શિયલ આયોજન માટે સમય ન હોવાથી તેમજ આર્થિક રીતે આયોજન પોસાય તેમ ન હોય આ વર્ષે પણ આયોજન બંધ રાખ્યા છે.

કોરોનાને કારણે આ વખતે સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેથી ખેલૈયાઓ ખુશ છે, સાથે આ વખતે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યાથી કર્ફ્યુનો અમલ કરાશે. જેથી ગરબા રમી રાત્રિના 12 પહેલા ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે.

ઘર આંગણે શેરી ગરબા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ
ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે શહેરની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટોના રહીશો આયોજનોને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી અને આ વર્ષે સતત બીજા વર્ષે પ્રોફેશનલ નવરાત્રિના આયોજનની મંજૂરી ન હોવાથી ઘર આંગણે પરિવાર સાથે શેરી-ગરબાના આયોજનથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શેરી-ગરબામાં કોરોનાની માગર્દર્શિકાનું કડક પાલન થશે
શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજનોમાંકોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન કરવા માટે તંત્ર સુસજ્જ થયું છે. જેમાં ગરબામાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ રસીના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. સોસાયટી, શેરી અને ફ્લેટોમાં પણ કોરોના ગાઇડલાઇન સાથે જ રાસ-ગરબા યોજવા આયોજકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...