ચોમાસું ઢૂકડું આવે અને ભાલ પંથકના ગ્રામ્યજનોના જીવ અધ્ધર થઈ જાય. ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ગામમાં ઘુસી જવાની ઘટનાઓ લોકોને નજર સમક્ષ કરતા રાતની ઊંઘ પણ હરામ થઈ જાય. પરંતુ તંત્રની ઉંઘ ઉડતી નથી. પાણીના વહેણના કુદરતી નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા રૂ.38 કરોડના ખર્ચે ચેનલ બનાવવાના પ્રોજેક્ટની દરખાસ્તને ચોમાસું માથે હોવા છતાં સરકારના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા મંજુર કરાયો નથી જેથી ભાલ પંથકના ગામોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ભીતિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
મીઠાના અગરોને છેલ્લા થોડા વર્ષોમાં અપાયેલી મંજૂરી રાજકીય ભલામણોની ઓથે અપાતા તેમાં પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ચોમાસા દરમ્યાન ભાલ પંથકમાં પાણી ભરાતા માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ કાળીયાર પણ પ્રભાવિત થયા હતા. ભાલ પંથકમાં વરસાદી પાણીના નિકાલ અંગે કાયમી ઉકેલ લાવવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વર્ષ 2020 માં સંબંધિત તમામ વિભાગીય વડાઓની બેઠક બોલાવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તમામ સુચનાઓનું સંપૂર્ણ પાલન નહીં થતાં હજુ સમસ્યાનો અંત આવ્યો નથી.
ગત વર્ષે જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પણ ભાલ પંથકમાં કુદરતી વહેણને જીવંત કરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેનાલ બનાવી હતી અને તેમાં તંત્રના દાવા મુજબ સફળ પણ થયા હતા. પરંતુ પાયલોટ પ્રોજેક્ટને મુખ્ય પ્રોજેક્ટ તરીકે બનાવવા સિંચાઇ વિભાગ દ્વારા રૂ.38 કરોડના ખર્ચે સરકારના ડિઝાસ્ટર વિભાગ સમક્ષ દરખાસ્ત કરાઈ છે. પરંતુ સરકાર દ્વારા પ્રોજેક્ટને હજુ સુધી મંજુરી નહીં આપતા આગામી ચોમાસા દરમ્યાન ભાલ પંથકના ગામો અને અભ્યારણ્યમાં વરસાદી પાણી ભરાવાની પૂરી શક્યતા છે.
150 મીટર પહોળી 27 કિલોમીટર લાંબી કેનાલ બનશે
ભાલ પંથકમાં જે નદીઓના કુદરતી વહેણ છે તેનું પાણી દરીયા ચાલ્યુ જતું હતું જે માટે પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા 27 કિલોમીટર લંબાઈની 150 મીટર પહોળી અને 3.5 મીટર ઉંડાઈની કેનાલ બનાવવાનું આયોજન કરાયું છે. જે પ્રોજેક્ટ માટે રૂ. 38 કરોડનો ખર્ચ મંજુરી માટે સરકારમાં મોકલાયો છે. જે લાંબા સમય થી સરકારમાં ધુળ ખાય છે.
ગત વર્ષે પાળો તોડવો પડ્યો હતો, ગેટ બનાવાશે
પાયલોટ પ્રોજેક્ટની કેનાલ બનાવ્યા બાદ પણ પાણી દરિયામાં જતું ના હતું.તંત્ર દ્વારા નર્મદ ગામ પાસે મીઠાના અગરનો પાળો જે પાણીના નિકાલને અવરોધતો હતો તેને તોડ્યો હતો. જ્યાં ગેટ બનાવવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે.
કેનાલ બનાવવાથી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે
ભાલ પંથકના વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા રહે છે. જે માટે ગત વર્ષે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15 મીટર પહોળી કેનાલ બનાવી હતી. જેમાં ઘણી ખરી સફળતા મળી હતી. અને તે પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પણ સરાહના થઇ છે. જેનો મુખ્ય પ્રોજેક્ટ પણ પૂર્ણ થતાં ભાલમાં પાણી ભરાવાની સમસ્યા ભુતકાળ થશે. - ડી.આર. પટેલ, કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઈ વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.