ગણિતમાં ગરબડ:NAS : ભાવનગરના વિદ્યાર્થીઓ ધોરણ 10માં નબળા પૂરવાર થયા

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એનાલિસીસ - ભાષામાં શ્રેષ્ઠ સાબિત થયેલા ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા
  • નેશનલ એચિવમેન્ટ સર્વેમાં 2017ની તુલનામાં 2021માં ભાવનગરનું ધો.3,5,8 અને 10નું પરિણામ ઘટ્યું

તાજેતરમાં નેશનલ એચિવમેન્ટ સર્વેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ભાવનગર ધોરણ 3,5, 8 અને 10નું પરિણામ અગાઉના વર્ષ 2021ના પરિણામથી નીચું ગયું છે એટલે કે શૈક્ષણિક ગુણવત્તા ઘટી છે તેમ કહી શકાય. પરિણામનું કારણ કાઢીએ તો ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ભાષામાં શ્રેષ્ઠ અને ગણિતમાં સૌથી નબળા પુરવાર થયા છે.

નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ભાવનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ ધોરણ 3માં 60 ટકા અને સૌથી ઓછું પરિણામ ધોરણ 10માં 36 ટકા હતું જે 2017ના વર્ષમાં ધોરણ 3માં 70 ટકા અને ધોરણ 10માં 38 ટકા રહ્યું હતું. ખાસ તો ધો.10માં ભાવનગરમાં ગુજરાતી ભાષામાં 45 ટકા પરિણામ રહ્યું જ્યારે સૌથી ઓછું પરિણામ ગણિતમાં માત્ર 28 ટકા જ રહ્યું હતુ. એટલે કે ગુજરાતી ભાષામાં ભાવનગરનું પરિણામ રાજ્ય અને રાષ્ટ્રથી વધુ તથા ગણિતમાં રાજ્ય અને રાષ્ટ્રની તુલનામાં નબળું રહ્યું હતુ.

નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 માટે ગત નવેમ્બર માસમાં પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં પસંદગીની શાળાઓમાં આ કસોટી લેવામાં આવી હતી. જેમાં ધોરણ-3નું ભાવનગર જિલ્લાનું પરિણામ 60 ટકા રહ્યું છે. જ્યારે રાજ્યનું પરિણામ 62 ટકા અને રાષ્ટ્રના પરિણામ 59 ટકાની વચ્ચે રહ્યું છે. ધોરણ 5નું પરિણામ 50 ટકા રહે છે જ્યારે રાજ્યના પરિણામ 50 ટકાની સરખામણીમાં એક સમાન અને રાષ્ટ્રમાં પરિણામ 49 ટકાની તુલનામાં વધારે જોવા મળ્યું છે.

જોકે ધોરણ-8માં ભાવનગર જિલ્લાનું પરિણામ 41% જ રહ્યું છે જે રાજ્યના પરિણામ 44 ટકા અને રાષ્ટ્રના ધોરણ 8ના પરિણામ 42 ટકાની સરખામણીમાં ઓછું જોવા મળ્યું છે જે ચિંતાનો વિષય છે. ભાવનગર જિલ્લાનું નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ધોરણ 10નું પરિણામ 36 ટકા રહ્યું હતું જે રાજ્યના પરિણામ 37 ટકાની સરખામણીમાં લગભગ સમાન જ્યારે રાષ્ટ્રના પરિણામ 38ની તુલનામાં ઓછું રહ્યું હતું.

શિક્ષકોની તાલીમ યોજાશે
નેશનલ એચિવેમન્ટ સર્વેના પરિણામ બાદ ભાવનગર જિલ્લામાં ખાસ તો ધો.10ના મહત્વના વર્ષમાં પરિણામ ઓછું આવ્યું છે. 2017ની તુલનામાં 2021માં પરિણામ ઘટ્યું પણ છે. આથી આગામી દિવસોમાં શિક્ષકો માટે આ માટે આગામી દિવસોમાં વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે વિભાગમાં પરિણામ નબળુ હશે ત્યાં શિક્ષકોની તાલીમ થશે. > હિરેનભાઈ ભટ્ટ, પ્રાચાર્ય, જિલ્લા તાલીમ ભવન

તમામ ધોરણમાં જિલ્લાનું પરિણામ ઘટ્યું
ધોરણ20212017ઘટાડો
ધો.360 ટકા70 ટકા-10 ટકા
ધો.550 ટકા61 ટકા-11 ટકા
ધો.841 ટકા62 ટકા-21 ટકા
ધો.1036 ટકા38 ટકા- 2 ટકા

ભાવનગરના વિવિધ ધોરણના પરિણામની તુલના

આ કસોટી લીધા બાદ જે તારણ મળ્યા છે તે મુજબ ભાવનગર જિલ્લામાં ધો.3માં સૌથી વધુ ભાષામાં 65 ટકા જ્યારે સૌથી ઓછું પર્યાવરણમાં પરિણામ 59 ટકા રહ્યું હતુ. ધો.5માં સૌથી વધુ પરિણામ ભાષામાં 54 ટકા તેમજ સૌથી ઓછું પરિણામ ગણિતમાં 45 ટકા હતુ. ધો.8માં સૌથી વધુ પરિણામ ભાષામાં 54 ટકા અને સૌથી ઓછું પરિણામ ગણિતમાં માત્ર 32 ટકા હતુ. ધો.10માં સૌથી વધુ પરિણામ ગુજરાતી ભાષામાં 45 ટકા અને સૌથી ઓછું પરિણામ ગણિતમાં માત્ર 28 ટકા રહ્યું હતુ. આમ, ગણિતમાં વિદ્યાર્થીઓ કાચા છે તેવું પૂરવાર થયું હતુ.

2017માં ભાવનગર જિલ્લામાં નેશનલ એચિવેમન્ટ સર્વેમાં ધો.10નું ઓવરઓલ પરિણામ 38 ટકા હતુ તે 2021ના નવેમ્બરમાં લેવાયેલી નેશનલ એચિવેમન્ટની કસોટીમાં 2 ટકા ઘટીને 36 ટકા થઇ ગયું છે. જ્યારે ધો.10માં રાજ્યનું પરિણામ 37 ટકા અને રાષ્ટ્રનું પરિણામ 38 ટકા સાથે યથાવત રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...