ભાસ્કર એક્સપોઝ:નફ્ફટ તંત્ર : નવ મહિનાથી કોરોના માટે સાધનો ખરિદવા આપેલી 1.60 કરોડની ગ્રાંટ વાપરી જ નથી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિભાવરીબેને ગ્રાંટ ફાળવી હતી : કોરોનામાં સાધનો અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મરે છે ત્યારે હોસ્પિટલે ગ્રાંટ કેમ ન વાપરી ?

કોરોના સામે લડવા સજ્જ થયેલી રાજ્ય સરકારના બેદરકારી ભર્યા વહિવટની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન તત્કાલિન રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે દ્વારા રૂા.1 કરોડ 60 લાખની ગ્રાંટ ભાવનગરની સર ટી. હોસ્પિટલની આરોગ્ય સુવિધા માટે ફાળવવામાં આવી હતી. પણ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ તેમ છતાં હોસ્પિટલ દ્વારા આ ગ્રાંટ વાપરવા માટે કોઈ કાર્યવાહી જ કરવામાં આવી નથી.

કોરનાની બીજી લહેરમાં ઓક્સિજનની તાતી જરૂરિયાત હતી. આ સમયે તત્કાલિન રાજ્ય શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરી દવેએ ઓકસીજન પ્લાન્ટ માટે આઈસીયુ ઓન વ્હીલ માટે અને ઓક્સિજન કોન્સ્ટ્રેટર માટે રૂા.1 કરોડ 60 લાખ એપ્રિલ 2021માં ફાળવ્યા હતા.એક બાજુ આરોગ્યના સાધનોની અછત હોવાની સર ટી. હોસ્પિટલના ડોકટરો ફરિયાદ કરી રહ્યા છે બીજી બાજુ આ દોઢ કરોડ જેવી માતબર રકમની ગ્રાંટ વપરાયા વગર જ પડી રહી તે તંત્ર અને અધિક્ષકની ગુન્હાહિત બેદરકારી છે.

ધારાસભ્યએ પણ ગ્રાંટ ફાળવ્યા પછી તેનો ઉપયોગ થયો કે નહીં તે અંગે કોઈ જાગૃતિ દાખવી નથી.સર ટી. હોસ્પિટલ ભાવનગર જિલ્લાની જ નહીં આજુબાજુના ત્રણ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યારે હોસ્પિટલનું આ ‘રામ રા્જય’ સરકારી તંત્રના વહિવટનો એક નમૂનો માત્ર છે.

પ્રભારી મંત્રી રાણાએ તપાસ માટે કરેલો આદેશ
ભાવનગરના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની હાજરીમાં કોરોના અંગેની સમીક્ષા બેઠકમાં એપ્રિલ 2021માં ફાળવાયેલી ગ્રાંટના પૈસા સર ટી. હોસ્પિટલના અધિક્ષકના ખાતામાં જમા થઈ ગયા હોવા છતાં આ ગ્રાંટમાંથી એક પણ પૈસો વપરાયો નહીં હોવાની ફરિયાદ ધારાસભ્ય વિભાવરીબેન દવેએ કરી હતી. આરોગ્ય જેવી મહત્વની બાબતમાં દાખવાયેલી આ બેદરકારીથી પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા પણ ચોંકી ઊઠ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ કરવા જિલ્લા કલેકટર નિરગુડેને સુચના આપી હતી.

ઉત્સવોની ઉજવણી અને રેલીઓમાં ઓતપ્રોત સરકાર થઈ ગઈ સંવેદનાહિન
કોરોનાના સમયમાં સરકારે સંવેદના ગુમાવી દીધી છે. ઉત્સવો અને રેલીમાં ઓતપ્રોત સરકાર વહિવટમાં સદંતર નિષ્ફળ રહી છે. આરોગ્ય સાધનોની કરોડોની ગ્રાંટ વપરાયા વગર પડી રહી અને અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. મૃત્યુના આંકડા પણ સરકારે છુપાવ્યા છે ત્યારે આ મામલો હળવાશથી લેવાને બદલે જવાબદારો સામે પગલા લેવામાં આવે તે જ કોરોનાના મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ છે.

1 કરોડની ગ્રાન્ટ હજુ ફાળવાઈ નથી
સરકારમાંથી સર ટી. હોસ્પિટલના વિકાસ માટે જે ગ્રાન્ટ આવવાની છે તેમાં રૂ.1 કરોડની ગ્રાન્ટની રકમ હજી સરકારમાંથી મંજૂર તો થઇ ગઇ છે પણ ફાળવાઇ નથી. આ ગ્રાન્ટની રકમમાં ઓક્સિજન પીએસએના પ્લાન્ટના નિર્માણ કરવાના છે. હાલ ભાવનગરમાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ છે. હવે આ એક કરોડની ગ્રાન્ટ આવશે એટલે તેમાં વધારો થશે. આ ઉપરાંત હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધા માટે વધુ રૂ.50 લાખની ફાળવણી થઇ છે અને તેમાં એમ્બ્યુઇન્સ સહિતની સાધન ખરીદીની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. - ડો.જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ટેન્ડ, સર ટી. હોસ્પિટલ

હોસ્પિટલમાં સાધનોના અભાવે કોઈ દર્દી હેરાન નહીં થાય
આરોગ્ય અંગે જે તે સમયે મેં ગ્રાંટ ફાળવી હતી અને એ અંગે વારંવાર રૂબરૂમાં પણ રીમાન્ડર આપ્યા હતા. પણ ઓક્સીજન પ્લાન્ટની હવે જરૂર નહીં હોવાથી અન્ય સાધનો માટે આ ગ્રાંટ ફાળવી છે. દર્દીઓને વધુમાં વધુ ઉપયોગી બની એ અને સાધનોના અભાવે કોઈ દર્દી હેરાન ન થાય એની તકેદારી રાખીશું. - વિભાવરીબેન દવે, ધારાસભ્ય ભાવનગર પૂર્વ

કઈ તારીખે શેના માટે ગ્રાંટ ફાળવવામાં આવી

  • ધારાસભ્ય વિભાવરીબેન દવેએ નીચે મુજબ ગ્રાંટ ફાળવી હતી.
  • 24-4-21 ઓક્સિજન કોન્સ્ટ્રેટર 10 લાખ
  • 17-5-21 ઓક્સિજન પ્રોડક્ટ 1 કરોડ
  • 17-5-21 ICU ઓન વ્હીલ 50 લાખ
અન્ય સમાચારો પણ છે...