ભાવનગરના પાનવાડી રોડ પર ફૂટપાથ પર રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું પાંચ દિવસ પહેલા અપહરણ થયા બાદ આજે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. માસૂમ બાળકીનું અપહરણ થયા બાદ પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે આરોપીની પૂછપરછ કરતા તેને નવાબંદર પાસે બાળકીની હત્યા કરી લાશ ફેંકી હોવાની કબૂલાત આપતા પોલીસે ઘટનસ્થળ પર પહોંચી બાળકીનો મૃતદેહ કબજે કર્યો હતો. આરોપી બાળકીના પરિવારની બાજુમાં જ ફૂટપાથ પર રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના પાનવાડી પાસે આવેલ પીલગાર્ડનની ફૂટપાથ ઉપર રમકડા વેચતા પરિવારની બાળકીનું પાંચ દિવસ પહેલાં અપહરણ થતાં બાળકીની માતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બાળાનું અપહરણ કરનાર શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા બાળકીની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું, પોલીસે ઝડપાયેલા શખ્સને સાથે રાખીને શહેરના નવા બંદર, અમૃત સરોવર પાસે આવેલ બાવળની ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહનો કબ્જો લઈ પોલીસે પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવના પગલે નવા બંદર ખાતે સીટી ડીવાયએસપી આર.આર.સિંગલ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફ.એસ.એલ. ટીમ સહિતનો કાફલો નવા બંદર દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહ કબજો મેળવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પોલીસે આ બનાવ અંગે શખ્સની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.