સભ્યોમાં નારાજગી:મ્યુ.શિક્ષણ સમિતિના ચેરમેનની ચેમ્બરને તાળા, સભ્યોને નહીં બેસવા દેવાતા હોબાળો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિમાં સભ્યોને બેસવાની કોઈપણ જાતની વ્યવસ્થા જ નથી
  • સમિતિના પટ્ટાવાળાએ સભ્યોને બેસવા પણ ચેમ્બર નહીં ખોલી દેવાતા સભ્યો ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા દોડી ગયા

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અને સભ્યો વચ્ચે અસંકલન અને વિવાદનો સેતુ બંધાતો હોય તેમ ચેરમેને પોતાની ચેમ્બરમાં તાળા લગાવી દેતા અને સભ્યોને પણ તેમાં બેસવાની પરવાનગી નહીં મળતા સભ્યોમાં રોષ ફેલાયો છે. અને ચેરમેનની ફરિયાદ લઇ શિક્ષણ સમિતિના સભ્યો શહેર ભાજપ પ્રમુખ પાસે દોડી ગયા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ચેમ્બરમાં છેલ્લા પંદર વીસ દિવસથી સમિતિના કાર્ય સમય દરમિયાન તાળા લગાવી દેવામાં આવ્યા હતા. જે દરમિયાન શિક્ષણ સમિતિના ભાજપના સભ્યો આવતા ચેરમેનની સૂચના અનુસાર પટાવાળાએ સભ્યો માટે તાળુ નહીં ખોલી દેવાયા હતા. સભ્યોમાં રોષ ફેલાયો હતો.

જાણવા મળ્યા મુજબ શિક્ષણ સમિતિના ચેરમેનની ચેમ્બરમાંથી ચોરી થતી હોવા અને કોઈપણ આવીને ચેમ્બરમાં સમય પસાર કરતા હોવાથી ચેરમેન દ્વારા તાળા મારી કોઈને અંદર બેસવાની પરવાનગી આપી નહોતી. સભ્યો માટે બેસવાની કોઈ અન્ય વ્યવસ્થા છે નહીં. તેથી વર્ષોથી સભ્યો શિક્ષણ સમિતિના ચેરમેનની ચેમ્બરમાં જ બેસતા હતા. સમિતિના સભ્યો અને બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બે મહિને શિક્ષણ સમિતિની મળતી સાધારણ સભા સિવાય સભ્યો ડોકાવાનું પસંદ કરતા નહીં હોવાની પણ નારાજગી ફેલાઈ છે.

જે સંદર્ભે ગઈકાલે શિક્ષણ સમિતિના 9 સભ્યો શહેર ભાજપ પ્રમુખ સમક્ષ ફરિયાદ લઈને દોડી ગયા હતા. જે બાબતે પ્રમુખ દ્વારા સંકલનમાં લઈ સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જો કે સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી દ્વારા સભ્યો દ્વારા આવી કોઈ રજૂઆત કે આવો કોઈ વિવાદ નહીં હોવાનું અને તેઓની ગેરહાજરીમાં ઓફિસને તાળા લગાવવાનું સહજ બાબત હોવાનું જણાવ્યું હતું. સભ્યોને પ્રભારીનો હોદ્દો અપાયેલો હોવાથી સભ્યો દ્વારા લેવાતી શાળાની મુલાકાતને પણ ચેરમેન દ્વારા મનાઇ ફરમાવતા સભ્યોમાં નારાજગી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...