કાર્યવાહી:મ્યુ.કોર્પોરેશને આરોગ્ય, આવક અને વિકાસ માટે કડકાઈનો કોરડો વિંઝ્યો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંસારામાં આજ સુધીમાં 450 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષના પ્રારંભથી જ આવક અને વિકાસમાં અડચણ સામે કડકાઈ દાખવી રહ્યું છે. જાન્યુઆરીના પ્રારંભથી અંદાજીત રૂ.300 કરોડનો બાકી મિલકત વેરાની વસુલાત માટે રિકવરી ટીમ દ્વારા માસ જપ્તી હાથ ધરી છે. જ્યારે વર્ષોથી માત્ર વાતો થતી હતી તે કંસારામાંથી ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી રહ્યું છે. જેમાં આજ સુધીમા 450 જેટલા દબાણો હટાવ્યા છે. સાથોસાથ ગત ડિસેમ્બર મહિનાથી કોરોનાનું સંક્રમણ વધતા માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા પણ દંડનીય કામગીરી કરાઈ રહી છે.

માસ્ક વગરના 13 વેપારીઓ ઝપટે ચડ્યા
ભાવનગર શહેરમાં કોરોનાનો કોરડો વીંઝાઈ રહ્યો છે ત્યારે માસ્ક વગરના લોકો સામે તંત્ર કડક બન્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા આજે શહેરના એમ.જી. રોડ, ગોળ બજાર, મામાના ખાંડણિયા, રાધનપુરી બજાર, વગેરે સ્થળોએ માસ્ક વગરના 13 વેપારીઓ પાસેથી રૂ. 13,000 દંડ વસુલ કર્યા હતો. માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા છેલ્લા એક મહિનામાં રોજબરોજના દસ થી વીસ લોકોને દંડ ફટકારવામાં અાવે છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે.

વેરો નહીં ભરપાઈ કરતા 85 મિલકતોની જપ્તી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા. 4ના રોજ જુદી જુદી રિકવરી ટીમે કુલ 85 મીલકતની જપ્તી કરી છે. તે પૈકી 53 મિલકત ધારકોએ રૂ.37 લાખનો વેરો ભરપાઈ કરેલો છે. તથા મિલકતવેરાની આજની કુલ આવક રૂ.52 લાખ થયેલ છે. મિલકત વેરાની કરોડો રૂપિયાની બાકી વસુલાત માટે કોર્પોરેશનની રિકવરી ટીમો સવારથી બાકીદારોને ત્યાં ધામા નાખે છે. સ્થળ પર જપ્તી સમય દરમિયાન બાકી રકમ ભરપાઈ કરનાર મિલકત જપ્તીમાંથી બચી ગયાં હતાં.

કંસારામાં 200 દબાણો પર બુલડોઝર ફર્યું
ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ઓપરેશન ડિમોલિશન શરૂ છે. જેમાં ગઈકાલે રામમંત્ર મંદિર બ્રીજ થી 14 નાળા પુલ સુધીમાં 250 દબાણો દૂર કર્યા હતાં. જ્યારે આજે પણ સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખતા 14 નાળા પુલથી સુભાષનગર બ્રીજ સુધીમાં 200 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. હવે સુભાષનગર પુલ થી ડિસ્પોઝલ સુધી માત્ર 800 મીટર જ કંસારાના દબાણો હટાવવાના બાકી છે જે પણ આવતીકાલ બુધવારે સંપૂર્ણ હટાવી દેવાની તંત્ર વાહકોને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...