યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે યુધ્ધના ધોરણે પગલા:અલંગનું ESIC હોસ્પિટલ આરોગ્ય મંત્રાલયને હસ્તાંતરિતની હિલચાલ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે યુધ્ધના ધોરણે પગલા
  • ​​​​​​​ટ્રોમા સેન્ટરની સુવિધા માટેની કામગીરી માસાંતે શરૂ થશે

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની ક્ષમતા બમણી કરવા માટે કેન્દ્ર સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહ્યું છે, અને અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા પ્રાપ્ત થાય તેના માટે ખુટતી તમામ કડીઓ સાંકળવાની કામગીરી ચાલી રહી છે. આ શ્રેણીમાં અલંગનું શ્રમમંત્રાલય તળેનું ઇએસઆઇસી હોસ્પિટલ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તળે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા વડાપ્રધાન મંત્રાલય દ્વારા અલંગ શિપ રીસાયકલિંગના ડેવલોપમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલી હાઇ પાવર કમિટિના અધ્યક્ષ છે. તેથી યુરોપીયન યુનિયનની માન્યતા અલંગને ત્વરીત ધોરણે મળે તે દિશામાં તમામ ખુટતી કડીઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં અલંગમાં આવતા જહાજો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટ કસ્ટમ્સ ડ્યૂટી નાબૂદ પણ કરવામાં આવી છે.

યુરોપીયન યુનિયન પણ અલંગને માન્યતા આપવા માટે તત્પર છે, પરંતુ અલંગ ખાતે આવેલી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની સગવડતા માટે નાનકડી ટકોર તેઓના દ્વારા કરવામાં આવી હતી. હાઇ પાવર કમિટિ અને આરોગ્ય મંત્રાલયે અલંગની ઇએસઆઇસી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બનાવવા માટે કામ આગળ ધપાવ્યુ છે, અને માસાંતે કામગીરી પણ શરૂ થઇ જવાનું હોવાનું જાણવા મળ્યુ છે. આરોગ્ય મંત્રાલય તળે અલંગનું હોસ્પિટલ હસ્તાંતરિત થઇ જવાને કારણે વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ બની શકશે.

અન્ય સમાચારો પણ છે...