હેવાનિયતની હદ વટાવી:ભાવનગરમાં સાત લોકોએ 6 વર્ષના પુત્રની નજર સામે માતાને જીવતી સળગાવી; કૂતરાંનું નામ રાખવાની નજીવી બાબતે ઘાતક પગલું ભર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાને જીવતી સળગાવી એ સમયનો વીડિયો વાઇરલ થયો હતો. - Divya Bhaskar
મહિલાને જીવતી સળગાવી એ સમયનો વીડિયો વાઇરલ થયો હતો.
  • પાલિતાણાના શકિતનગરમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં કરાયેલો હુમલો

પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં માથાભારે પાડોશીઓ દ્વારા 6 વર્ષના દીકરાની નજર સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી છે. કૂતરાનું નામ રાખવા જેવી સામાન્ય બાબતે 7થી 8 લોકોએ મહિલાના ઘરમાં ઘૂસી જતાં ભારે ચકચાર મચી હતી.

તીર્થનગરી પાલિતાણામાં કાયદાના ડર વિના બેફામ બનેલા માથાભારે શખસોએ ન જેવી બાબતમાં 6 વર્ષના દીકરાની નજર સામે તેની માતાને જીવતી સળગાવી દેતાં ભારે ચકચાર મચી છે. પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતાં નીતાબેન જયન્તીભાઈ સરવૈયા (ઉં.વ.35)ને આજે તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી સહિત 7થી 8 લોકોએ બપોરે 1 વાગ્યાના અરસામાં તેમના ઘરે ઘૂસી ઘરમાં રાખેલું કેરોસિન છાંટી સળગાવી દેવામાં આવ્યાં હતાં.

બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો દીકરો નંદરાજ ઘરે હતો, જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલાં નીતાબેનને પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આગની જ્વાળાઓ તેમના શરીરના ગળા સુધીના ભાગને ચપેટમાં લઈ લીધો છે. સારવાર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમનું શરીર 80% દાઝી જતાં સ્થિતિ ગંભીર છે.

બનાવની જાણ થતાં સફાળી જાગેલી પાલિતાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનારાં નીતાબેન પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદી બની તેમના પાડોશમાં જ રહેતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નીતાબહેનને સંતાનામાં બે દીકરા સની તથા નંદરાજ તથા એક દીકરી રૂતિકા છે. બનાવ સમયે સૌથી નાનો દીકરો નંદરાજ સ્કૂલેથી ઘરે જમવા આવ્યો હતો અને બાકીના સભ્યો બહાર હતા.

કૂતરાનું નામ રાખવાની દાઝે મહિલાને સળગાવી
5 મહિના બન્ને પાડોશીઓની મહિલાઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ નીતાબેનના પરિવારે જર્મન શેફર્ડ બ્રીડનું એક કૂતરું લાવ્યા હતા જેનું નામ તેમણે સોનું રાખ્યું હતું અને હુમલો કરનારા લોકોમાંથી સુરાભાઈની પત્નીનું નામ સોનું હતું, તેથી આ લોકોએ સોનું નામ રાખ્યું હોવાથી આ હુમલો કર્યો હોવાનું મહિલા પરિવારજનોએ જણાવ્યું હતું.

મારી પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો
હું મારા કામ ધંધે બહાર હતો અને આ લોકો ઘરમાં ઘૂસી માથાકૂટ કરતા હોવાની જાણ થતાં હું તરત ઘરે આવ્યો ત્યારે મારાં પત્ની દાઝેલાં હતાં. આ લોકોએ મારી પર પણ હુમલો કર્યો હતો, પરંતુ મેં સ્વ-બચાવનો પ્રયાસ કરતાં આ લોકો હુમલો કરવામાં સફળ રહ્યા નહોતા. - જયન્તીભાઈ સરવૈયા, ભોગ બનનારના પતિ.

પાડોશી વચ્ચે અગાઉ ઝઘડો ચાલતો હતો
પાડોશમાં રહેતા આ બન્ને પરિવારો વચ્ચે અગાઉ ઝઘડા થતા હતા અને તેની દાઝે હુમલો થયો છે. પોલીસે આ મામલે ભોગ બનનારના નિવેદનના આધારે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી રહી છે. - એન.એમ.ચૌધરી, પીઆઈ-પાલિતાણા ટાઉન પોલીસ.
આ સમગ્ર ઘટનાનો વાઈરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો