બેદરકારી:ટેન્ડર કરતા 35 થી 50 ટકા નીચા ભાવે રોડના મોટાભાગના કોન્ટ્રાક્ટ અપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નબળી ગુણવત્તાવાળા કરોડોના રોડમાં ખાડા પડી ગયા - Divya Bhaskar
નબળી ગુણવત્તાવાળા કરોડોના રોડમાં ખાડા પડી ગયા
  • ભ્રષ્ટાચારને મિલી ભગતને કારણે કરોડોના ખર્ચ છતાં શહેરના રોડ તૂટેલા
  • પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ
  • નિષ્ણાંતો ભાવ નક્કી કરે તે ખોટા કે પછી ગુણવત્તામાં બાંધછોડ કરીને પણ કામ રાખવાની કોન્ટ્રાક્ટરોની ખોરા ટોપરા જેવી દાનત

શહેરનો વિકાસ એટલે રોડ, કોર્પોરેશનના શાસકોએ સૌથી વધુ રોડ પાછળ જ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ આ જ રોડના કામમાં કોર્પોરેશને નક્કી કરેલા ભાવ કરતા માન્યમાં ન આવે તેટલા ઓછા ભાવે એજન્સીઓ કામ કરવા તૈયાર થઈ જાય છે. ટેન્ડર ભાવ કરતા 35% અને 50% કરતા પણ ઓછા ભાવે ટેન્ડર ભરાય અને મંજુર પણ થાય છે. તેનો સીધો મતલબ કોર્પોરેશન દ્વારા રોડના કામનો જે અંદાજ મંડાયો તે ખોટો છે અથવા તો એજન્સી દ્વારા નબળુ કામ કરી ઓછા ભાવે કરવા રાજી રહી તંત્ર અને શાસકોને રાજી રાખે છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રોડના કામ કરવા છતા ચોમાસામાં રોડમાં ખાડા કે ખાડામાં રોડ હોય તેવી અવદશા થાય છે.

મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રોડના વિકાસ પાછળ જ શાસકો મથ્યા
જે ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવ તરફ અંગુલીનિર્દેશ કરે છે. તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા રીંગ કરતા હોવાના પણ થતાં આક્ષેપોને નકારી શકાય નહી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રોડના વિકાસ પાછળ જ શાસકો મથ્યા છે. જે સારી બાબત છે કે હાલમાં ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારમાં રોડ બની ગયા છે. તેમજ હવે તો આર.સી.સી. અને માસ્ટિક આસ્ફાલ્ટ રોડ પણ બનાવવાનું પ્રમાણ વધ્યુ છે. પરંતુ રોડ કામનું ટેન્ડર બહાર પાડવામાં આવે તો કોર્પોરેશન દ્વારા અંદાજ લગાવેલા કામના ખર્ચ કરતા અધધધ.. ઓછા ભાવે કોન્ટ્રાક્ટરો કરવા તૈયાર ક્યા કારણોસર થાય છે તે જ સામાન્ય પ્રજાની સમજ બહાર છે. કોર્પોરેશનના અધિકારીઓ અને રોડના કામના ખર્ચનો અંદાજ રૂપિયા આપી એજન્સીઓ દ્વારા કાઢવામાં આવે છે.

આટલી ઓછી રકમમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાના જ રોડ બનાવી શકે
જે તમામ ચીજવસ્તુઓના વર્તમાન બજાર ભાવ અને રોડના માપ મુજબ કાઢવામાં આવે છે જેથી માની જ લેવુ પડે કે તે પરફેક્ટ જ હોઈ શકે. પરંતુ જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે એજન્સીઓ દ્વારા એટલા ઓછા ભાવે એજન્સીઓ કામ કરવા તૈયાર હોય કે કોર્પોરેશન ના પાડી જ ના શકે. 35% થી 50% કરતા પણ ઓછા ભાવે કોન્ટ્રાક્ટરો રાજી થઈને કામ કરે છે. અને નિયમ મુજબ જેનો સૌથી ઓછો ભાવ હોય તેને કામ સોપવામાં આવે છે. પરંતુ આટલા ઓછા ભાવે એજન્સીને પોસાય કંઈ રીતે ? તે પણ એક મોટો પ્રશ્ન છે. અડધો અડધ ભાવે કોન્ટ્રાક્ટર કામ કરે તેમાં કામની ગુણવત્તા જળવાઈ શકે? જે સ્પષ્ટ કરે છે કે આટલી ઓછી રકમમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાના જ રોડ બનાવી શકે.

તેમાં પણ સત્તા અને શાનપણ બન્નેને સાચવવાના તો જુદા. એટલે એ રોડ ખરેખર કેટલી કિંમતનો બને તેનો અંદાજ પણ અઘરો છે. જેથી રોડની મજબુતાઈ માટે દાનત અને નિષ્ઠાની મજબુતાઈ પણ આવશ્યક છે. જોકે, મોટાભાગના કામમાં અધિકારીઓના નિષ્ણાંતપણા કરતા પદાધિકારીઓનું ડહાપણ વધુ ભાગ ભજવે છે.

સરકારની ગાઈડલાઈન ખોટી
મોટાભાગના રસ્તાના કામો ડાઉન કેન્દ્રમાં ગયા છે. આ કામો નબળી ગુણવત્તાના બનશે તેવી અધિકારીઓને ખાત્રી હોવા છતાં આ ટેન્ડરો પાસ કરવા પડે છે. તેમાં સરકારની ગાઈડલાઈન કારણભૂત હોય છે. સૌથી ડાઉન ભાવવાળું ટેન્ડર અધિકારી પાસ ન કરે તો તેની સામે આક્ષેપો પણ થાય છે. ટેન્ડરના ભાવ નક્કી કરવાની પ્રક્રિયા સાચી હોય છે પણ હરિફાઈના કારણે ઓછા ભાવનું ટેન્ડર ભરી કામની ગુણવત્તામાં બાંધછોડ થાય છે.- મહાનગરપાલિકાના એક નિવૃત્ત એન્જિનીયર

​​​​​​​ડાઉન ટેન્ડર, પક્ષનો ફાળો પછી ગુણવત્તા ક્યાંથી હોય
એક તો હરિફાઈમાં 35 ટકા ડાઉન પેમેન્ટે કામ કરવાનું ઉપરાંત પક્ષની ઓફિસે 5 ટકા જમા કરાવો પછી જ કામનો ઠરાવ એજન્ડામાં મુકાય છે, કમિટીના સભ્યો અને પેમેન્ટ માટે અધિકારીઓ પાછળ બીજા પાચ-સાત ટકા ખર્ચાય છે આમ 50 ટકા ભાવે કામ કરવાનું હોય તો ગુણવત્તા ક્યાંથી જળવાય ? > રોડ કામના એક કોન્ટ્રાક્ટર

નબળી ગુણવત્તા ચલાવતા નથી
રોડના કામોમાં કોઈ નબળી ગુણવત્તા ચલાવી લેવાતી નથી ઉપરાંત કામનો ગેરેન્ટી પિરિયડ પણ હોય છે. ટેનડર કરતા નીચા ભાવો હોય તેને નિયમ મુજબ કામ આપીએ છીએ.> એસ.જે. ચંદારાણા, સિવીલ એન્જિનીયર

​​​​​​​ઘણા રોડ કામ 2% તો ઘણા 37% ઓછા ભાવે!
કોર્પોરેશન દ્વારા રોડના કામના ઓનલાઇન ટેન્ડર બહાર પાડ્યા બાદ કિંમતમાં મોટી વિસંગતતા જોવા મળે છે. ગત ઓગસ્ટ મહિનાની સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરેલા કાર્યો મુજબ એક જ મહિનામાં મંજુર થયેલા કામમાં ઘણા રોડના કામમાં એજન્સી દ્વારા માત્ર 2% જ કમતી ભાવ હોવા છતા કામ સોપાય છે કારણકે, અન્ય એજન્સી તે કામ કરવા સ્પર્ધામાં હોતી નથી અને અન્ય કામ તે જ મહિનામાં મંજુર થયેલું હોય જે 37% કમતી ભાવે સોપાયું હોય છે.એક જ મહિનામાં ચીજવસ્તુઓના ભાવમાં પણ તફાવત હોઈ ના શકે.

ક્યાં કેટલા ઓછા ભાવે રોડ કામ ?

  • ચિત્રા GIDC આરસીસી રૂ.49,82,000નું કામ 37.27% ઓછા ભાવે. ​​​​​​
  • રાધેક્રિષ્ના સોસા.માં આરસીસી કામ રૂ.38,10,000માં 36% ઓછા ભાવે À ઘોઘાસર્કલ વોર્ડમાં લક્ષ્મી મંડપવાળા ખાચા પાસે આરસીસી કામ રૂ.23,59,000માં માત્ર 2% ઓછા ભાવે.
  • પિરછલ્લા મેઈન રોડ અને જમાદાર શેરીમાં માસ્ટિક આલ્ફાલ્ટ રોડના રૂ.38,39,000 કામમાં 44.10% ઓછા ભાવે.
  • ઘોઘાસર્કલથી સુભાષનગર રૂ.69,79,000ના કામમાં 51.03% ઓછો ભાવ.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...