વિશેષ:નવેમ્બરના આરંભે 5 જળાશયોમાં 95%થી વધુ પાણીનો સંગ્રહ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગર જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં 405.62 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થયો

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસુ એકંદરે સારૂ અને સંતોષકારક રહ્યું છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 579 મી.મી. એટલે કે કુલ વાર્ષિક વરસાદના 94.58 ટકા વરસાદ વરસ્યો છે. તેની સામે સારા સમાચાર એ છે કે જિલ્લાના 5 ડેમમાં નવેમ્બરનો આજથી આરંભ થયો છે ત્યારે પણ 95 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. જે જળસંચયની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લા માટે સારા સમાચાર ગણી શકાય. જો કે કેટલાક જળાશયોમાં 40 ટકાથી ઓછું પાણી છે ત્યાં આવેલા વિસ્તારોમાં ઉનાળામાં પાણીની ખેંચ વર્તાઇ શકે તેમ છે.

નવેમ્બર માસનો આજથી આરંભ થયો છે ત્યારે સમગ્ર જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં કુલ પાણીની સંગ્રહ ક્ષમતા 462.23 મિલિયન ઘન મીટર છે તેની સામે આજે સવાર સુધીમાં 405.62 મિલિયન ઘન મીટર એટલે કે 87.75 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે જે જળાશયોમાં 95 ટકાથી વધુ પાણી સંગ્રહિત થયેલું છે તે ડેમમાં શેત્રૂંજી ડેમ, માલણ જળાશય, ખારો ડેમ, બગડ ડેમ અને રોજકી ડેમનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે વરસાદની સામે જળસંગ્રહ પણ નોંધપાત્ર પ્રમાણમાં થયો છે જેથી આ વર્ષે આગામી ઉનાળામાં મોટા ભાગના વિસ્તારોમાં પાણીની ખેંચ રહેશે નહી. જો કે લાખણકા, રજાવળ, હમીરપરા, હણોલ અને પીંગળી જળાશયોમાં 40 ટકાથી ઓછા પાણીનો સંગ્રહ થયેલો છે. તે વિસ્તારોમાં ઉનાળામાં પાણીની ખેંચ આવી શકે તેમ છે.

સંગ્રહિત જળનો 80%થી વધુ હિસ્સો શેત્રુંજી ડેમમાં
સમગ્ર ભાવનગર જિલ્લામાં 12 ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 405.62 મિલિયન કયુબિક મીટર થયો છે અને તેની સામે એકલા શેત્રુંજી ડેમમાં પાણીનો સંગ્રહ 325.83 મિલિયન કયુબિક મીટર હોય સમગ્ર જિલ્લામાં કુલ સંગ્રહિત જળનો 80.33 ટકા જળ તો એકલા શેત્રુંજી ડેમમાં જ સંગ્રહિત થયેલો છે. એટલે જ આ ડેમ જિલ્લાની જીવાદોરી ગણાય છે.

આ વર્ષે ક્યા ડેમમાં કેટલું પાણી

ડેમસંગ્રહ ક્ષમતાઆ વર્ષે સંગ્રહટકાવારી
શેત્રુંજી341.45 MCM325.83 MCM95.49 ટકા
રજાવળ25.84 MCM6.05 MCM29.85 ટકા
ખારો11.84 MCM11.84 MCM100 ટકા
માલણ11.44 MCM11.27 MCM98.49 ટકા
રંઘોળા36.81 MCM28.37 MCM77.07 ટકા
લાખણકા3.68 MCM0.50 MCM13.46 ટકા
હમીરપરા1.93 MCM0.59 MCM33.48 ટકા
હણોલ5.43 MCM1.92 MCM37.38 ટકા
પીંગળી1.84 MCM0.57 MCM39.98 ટકા
બગડ9.66 MCM9.35 MCM97.23 ટકા
રોજકી9.13 MCM9.12 MCM99.86 ટકા

* MCM = મિલિયન ક્યુબીક મીટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...