તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:શહેરમાં RTE નીચે 50 ટકાથી વધુ વિદ્યાર્થીને આ વર્ષે પ્રવેશ નહિ મળે

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાઈટ ટુ એજ્યુકેશન નીચે ગરીબ અને તકવંચિત બાળકોને વિનામૂલ્યે ભણવા નહીં મળે
  • 3135 માન્ય ફોર્મમાંથી માત્ર 1153 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો શહેરની ખાનગી શાળાઓમાં માત્ર 1266 બેઠકો જ ઉપલબ્ધ છે
  • અન્ય વિદ્યાર્થીઓના ભણતરનું શું ?

ભાવનગર શહેરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આ વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ-1માં વિનામૂલ્યે ગરીબ અને તક વંચિત બાળકોને પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ 3,135 વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ફોર્મ ચકાસણી બાદ માન્ય કરાયા છે અને તેની સામે ભાવનગર શહેરની ખાનગી શાળાઓમાં 1,266 બેઠકો ઉપલબ્ધ છે. એટલે કે પ્રવેશ માટે પૂરી લાયકાત ધરાવતા ગરીબ અને તક વંચિત 1,869 બાળકો પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાવનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં 1266 વિદ્યાર્થીઓને શાળા ની ફાળવણી કરવામાં આવી હતી અને તે પૈકી 1153 વિદ્યાર્થીઓએ શાળાઓમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી લીધો છે આથી 113 બેઠકો ખાલી પડી છે ત્યાં પ્રવેશ કન્ફર્મ કરવાનો બાકી છે. આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જુદી-જુદી 11 કેટેગરીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાયા છે. જોકે પ્રવેશમાં મોડું થવાનો પ્રશ્ન આ વર્ષે પણ યથાવત રહ્યો છે જેથી વિદ્યાર્થીઓનું શાળાકીય શિક્ષણ બગડશે.હવે બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશના પ્રથમ તબક્કામાં શહેરમાં કુલ 1266 વિદ્યાર્થીઓને જે તે ખાનગી શાળાઓમાં પ્રવેશની ફાળવણી કરી દેવાયા બાદ આજે સાંજ સુધીમાં 1,153 બાળકોએ પોતાના શાળા નો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો અને 113 બેઠકો હજી પડતર રહી છે.

116 શાળાઓ સામે 1266 બેઠક, ગણિત સમજાતું નથી
ભાવનગર શહેરમાં પાંચેક એવી મોટી ખાનગી શાળાઓ છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે તેમાં ધોરણ-1માં ચાર પાંચ ક્લાસ હોય છે. આતો શહેરભરમાં કુલ 116 શાળાઓ અને 181 વર્ગની વાત ચાલે છે. વળી આ શાળાઓએ પોતાની ક્ષમતાની 25 ટકા બેઠકો ગરીબ અને તક વંચિત બાળકો માટે અનામત રાખવાની હોય છે ત્યારે માત્ર 1266 બેઠકો અને તેની સામે 116 શાળાઓ એટલે કે શાળા દીઠ માંડ 10 વિદ્યાર્થી આવે તે ગણિત સમજાય તેવું નથી આ અંગે હાઈકોર્ટ સુધી કેસ થયા છે. સરકાર અને શિક્ષણ વિભાગ જાગે તે જરૂરી છે.

સરકારે બેઠક વધારવી જરૂરી
ગત તારીખ 11 ના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર થયો ત્યારે મારી દીકરી માટે નામ ન જોતાં હું આશ્ચર્ય પામ્યો હતો કારણ કે તેનું ફોર્મ તંત્ર દ્વારા મંજૂર થઈ ગયું હતું.> મહેન્દ્રભાઈ પરમાર, વાલી

3 વર્ષ પહેલા મારા દીકરાને પણ પ્રવેશ નહોતો મળ્યો
આ વર્ષે મારી દીકરી માટે મેં રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભર્યું અને તેમાંય પણ રહ્યું હતું પરંતુ પ્રથમ રાઉન્ડમાં તેનું નામ આવ્યું નથી. ત્રણ વર્ષ પહેલા મારા દીકરાને પણ હોમ મંજૂર થયું છતાં પ્રવેશ નહોતો મળ્યો. > વિનોદભાઈ સોલંકી, વાલી

શહેરમાં RTE પ્રવેશ ફેક્ટ ફાઇલ
3873: શહેરમાં કુલ અરજી મળી

3135: કુલ ફોર્મ માન્ય રખાયા

1266: પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી

113: પ્રથમ રાઉન્ડના અંતે ખાલી બેઠકો

1869: હજી પ્રવેશ વંચિત લાયક બાળકો

અન્ય સમાચારો પણ છે...