ભાવનગરમાં 18 થી 25 ટકા સુધીના ઉંચા વ્યાજે પૈસા ધરી લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહેલા શાહુકારોના ધંધા અંગે તપાસની માંગ ઉઠી છે. આ શાહુકારો વગર લાયસન્સે માત્ર ડાયરીના આધારે વ્યાજ-વટાવનો ધંધો કરે છે અને લોકોનું શોષણ કરી રહ્યાં છે. આ વિષચક્રને નાથવું જરૂરી છે. ભાવનગરમાં અંદાજે 300 થી વધુ લોકો વાર્ષિક 150 કરોડના ટર્નઓવર સાથે આ ધંધો કરી રહ્યાં હોવાનું વેપારીઓ જણાવે છે.
ભાવનગરમાં ડાયરી પર વ્યાજે નાણા ધરવાનો ધંધો ફુલ્યોફાલ્યો છે. મજબુર અને પૈસાની જરૂરીયાતવાળા લોકોને બંેક અને અન્ય ફાયનાન્સ કંપનીઓ સરળતાથી લોન આપતી નથી જયારે આ શાહુકારો 18 ટકાથી શરૂ કરી 25 ટકા કરતા પણ વધારે વ્યાજ વસુલે છે. આ લોકો પાસેથી એકવાર નાણા લીધા બાદ જે તે વ્યકિત જિંદગીભર તેનું વ્યાજ જ ભરતો રહે તેવી એને પધ્ધતી હોય છે અને ઘણા કિસ્સામાં તો મુદ્દલ રકમ કરતા પણ બે થી ત્રણ ગણા રકમનું વ્યાજ વસુલે છે.
ઉઘરાણી માટે ગુંડાઓ હોય છે આ શાહુકારો વ્યાજે દીધેલા પૈસાની ઉઘરાણી માટે ભાડુતી ગુંડાઓ રાખતા હોય છે. જે ફોન દ્વારા ‘પૈસા દો યા જાન દો’ એવી ધમકી આપતા હોય છે અને ઘણા કિસ્સામાં સસ્તા ભાવે મિલ્કત, જમીન, વાહન પણ પચાવી પાડતા હોય છે.
શેર, સટ્ટો અને મોંઘવારી કારણભૂત વ્યાજે પૈસા લેનારમાં મોટાભાગના શેરબજાર, સટ્ટો,ક્રિકેટનો સટ્ટો કે પછી મોંઘવારીમાં કુટુંબનું પુરૂ થતુ ન હોય મજબુરીથી વ્યાજે પૈસા લે છે. અને અંત ખરાબ આવે છે જેથી વ્યાજના વિષચક્રમાંથી વ્યક્તિ કે પરિવાર બહાર આવી શકતો નથી.
ત્રાસથી અનેકે જિંદગી ગુમાવી વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આપઘાત કરીને કે પછી આઘાતમાં પોતાની જિંદગી ગુમાવી છે કોઇ ચીઠ્ઠી મુકી આપઘાત કરે તો તે ચીઠ્ઠી ગુમ થઇ જાય એવી પહોંચ પણ આ લોકો ધરાવતા હોયનું કહેવાય છે. ખાસ કરી કુંભારવાડા, ખેડૂતવાસ, પીરછલ્લા, ભરતનગર, શાકમાર્કેટ, હાદાનગર, 50 વારીયા સહિતના વિસ્તારોમાં આ શાહુકારોનું નેટવર્ક ફેલાયેલુ હોય છે.
વ્યાજખોરોની ઉઘરાણીના ઘાતક કિસ્સાઓ
છેલ્લા એક દશકામાં વ્યાજ ખોરોની ઉઘરાણીના ઘાતક કિસ્સાઓ વધ્યા છે. વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળેલા લોકોના પોલીસ ચોપડે નોંધાયેલા મહત્વના કિસ્સાઓમાં પાલિતાણામાં યુવકને વ્યાજની ઉઘરાણી કરી જાહેરમાં સળગાવી દીધો હતો. જ્યારે ભરતનગરમાં આધેડે ઝેરી દવા પી આપઘાત કરેલ ઉપરાંતમાં વ્યાજની ઉઘરાણી માટે ઝેરી દવા પીવાના, માર માર્યાંના, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના, અપહરણ કરવાના બનાવો તેમજ વ્યાજ ચુકવી દીધું હોવા છતાં ઉઘરાણી કરી ધમકી આપ્યાના એક ડઝનથી પણ વધારે બનાવો ભાવનગર જિલ્લાના જુદાં-જુદાં પોલીસ મથકોમાં ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે.
સવારે પૈસા લ્યો સાંજે બમણા ચુકવો
ભરતનગર શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો ચકરાવે ચડી જવાય એવુ તોતીંગ વ્યાજ વસુલે છે.જેમાં સવારે જેટલી રકમ વ્યાજે લ્યો તેના બમણા પૈસા સાંજે ચુકવવાના હોય છે. ભાવનગરમાં વ્યાજનુ વિષચક્ર એટલી હદે ફેલાયુ છે કે અનેક લોકોએ વ્યાજના ફંદામાં ફસાઈને જીવન ટુંકાવ્યા હોવા છતા તેનો વ્યાપ વધતો જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.