આવતી કાલ તા.14 નવેમ્બરે બાલ દિન ઉજવાશે. બાળકો માટેના વિશેષ દિવસે વિશેષ બાળકો માટે કેટલાક લોકો- કેટલીક સંસ્થા 365 દિવસ નમૂનેદાર કાર્ય કરી રહી છે. વિશેષ બાળકો કે જે શારીરિક તથા માનસિક રીતે દિવ્યાંગ હોવાને કારણે મન અને શરીર બંનેથી લાચાર છે.
ભાવનગરની પીએનઆર સોસાયટી દ્વારા ચાલી રહેલા અર્લી ઇન્ટરર્વેશન સેન્ટર ,નટરાજ સી પી સ્કૂલ માં છેલ્લા 15 વર્ષથી આવા અનેક બાળકો કેળવણી પામ્યા છે અને કૌશલ્ય મેળવી ચૂક્યા છે. આ સંસ્થામાં કુલ 260થી વધુ દિવ્યાંગ બાળકોમાંથી હાલ 100 જેટલા 13થી 18 વર્ષની વયના આવા બાળકો જીવન શિક્ષણ ઉપરાંત સારવારની સાથે પૂર્વ વ્યવસાયિક તાલીમ મેળવી રહ્યા છે તો ભાવનગર જિલ્લાના પી એન આર સોસાયટી સંચાલિત તાલુકા મથકો પર સારવાર લઈ રહેલ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તાલીમ મેળવી ને કલાત્મક વસ્તુઓ વગેરે બનાવી શકે છે.
ભાવનગર શહેરમાં નટરાજ કોલેજ કેમ્પસ તથા વિદ્યાનગર ખાતે તેમજ જિલ્લામાં તળાજા, મહુવા, સિહોર અને પાલિતાણામાં આવા વિશિષ્ટ બાળકો માટે સારવાર અને પુનઃ સ્થાપન કેન્દ્રો ચાલે છે. અહીં આવા બાળકોની વહેલાંસર ઓળખ, નિદાન,સારવાર તથા તેમની ક્ષમતા મુજબ શિક્ષણની સેવા આપવામાં આવે છે. તાલીમ મેળવેલા શિક્ષકો દ્વારા બાળકની રુચિ અને ક્ષમતા અનુસાર ચિત્ર કલા, સંગીત, બાગ કામ, કુકીંગ, ફોટોગ્રાફી, કમ્પ્યુટર,સિલાઈ સહિતના ક્ષેત્રની તાલીમ અપાય છે.
ઇન્ચાર્જ આચાર્ય જીજ્ઞાબેન સોલંકી જણાવે છે કે, આ બાળકોએ તૈયાર કરેલી કૃતિઓ મનભાવન હોય છે. તેની નાણાકીય કિંમત કરતા તેનું ભાવનાત્મક મૂલ્ય વધારે હોય છે. સંસ્થાના શુભચિંતક અંબિકાબેન ટેકરીવાલ દ્વારા આવી ચીજ- વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ પણ યોજાતું હોય છે અને જેનો ખૂબ સારો પ્રતિસાદ મળતો હોય છે. છેલ્લા બે વર્ષમાં બાળકોએ તાલીમ લઈને ચોકલેટ બનાવવી, હેંગિંગ ડેકોરેશન, આરતી ડેકોરેશન, પેઇન્ટિંગ તથા સુશોભનની ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી છે.
સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી બાબાભાઈ શાહ જણાવે છે કે, માનસિક અને શારીરિક બંને રીતે દિવ્યાંગ કહી શકાય તેવા આ બાળકોને તાલીમ આપી, કઈક અંશે સ્વનિર્ભર અને પગભર કરવાનો પ્રયત્ન કરી અમારી સંસ્થાના તમામ કાર્યકરો 365 દિવસ આ રીતે બાલ દિનની ઉજવણી કરતા હોય છે અને તેનો અમને આનંદ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.