દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરની જાણીતી સંસ્થા કલાસંઘ દ્વારા દિપોત્સવ પર્વ અન્વયે શહેરના ઘોઘા સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું કલરફૂલ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના ઘોઘાસર્કલ ખાતે છેલ્લા 10 વર્ષથી કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ આંગળીના ટેરવેથી નયનરમ્ય રંગોળીઓ સર્જી કલરફૂલ રંગોનો કસબ પાથર્યો હતો.
કલાસંઘના અજય ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી દિવાળી પર્વને લઈ રંગોળી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, જેમાં અવનવી ડીઝાઇનની રંગોળી બનાવવામાં આવી હતી. સ્પર્ધકો દ્વારા દેશના જવાનની આબેહૂબ રંગોળી, બેટી બચાવોની થીમ, ફૂલોની, માળો, મોરની, મિકી માઉસ, ફુલોમાં ગરબી, મોતીઓની અવનવી ડિઝાઈનની રંગોળી બનાવી હતી.
આ સ્પર્ધાને નિહાળવા કલાપ્રેમી ભાવનગરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઈવેન્ટમાં ઉમદા કૃતિ રજુ કરનારા કસ્બિઓને પુરસ્કારથી સન્માનિત કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.