મહુવા ઔદ્યોગિક ક્ષેત્રે સતત વિકાસ પામી રહયુ છે. મહુવામાં જી.આઇ.ડી.સી. ફેઇઝ-2ની જરૂરીયાત છે. ઓનિયન ડીહાઇડ્રેશનને કોલ્ડ સ્ટોરેજ માટે ઔદ્યોગિક પ્લોટની માંગ ઉભી થવા પામી છે. મહુવામાં અંદાજે 8 વર્ષ પૂર્વે અથાગ પ્રયત્નો બાદ જી.આઇ.ડી.સી. ફેઇઝ-2ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નેસવડ પાસે નવો ઔદ્યોગિક વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો હતો.
પ્લોટ પાડવાની તૈયારીઓ થઇ ચુકી હતી પરંતુ પીપાવાવ, અલંગ, રાજુલા માફક મહુવામાં પણ રાજકીય ચંચુપાતના કારણે જી.આઇ.ડી.સી. ફેઇઝ-2 ની કાર્યવાહી ઠપ્પ થઇ ગયેલ છે જે કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવે તો મહુવા નો વિકાસમાં હરણફાળ આવે.મહુવાની નજીક જી.આઇ.ડી.સી.ની સ્થાપના 1981માં કરવામાં આવી હતી.ઓનિયન ડીહાઇડ્રેશન વિકાસમાં મહુવા વિશ્વનું હબ બનેલ છે. મહુવા જી.આઇ.ડી.સી.ની સ્થાપના સમયે 84 ઔદ્યોગિક પ્લોટો હતા આજે આ પ્લોટો પૈકી માત્ર 5 પ્લોટમાં ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે અને માત્ર બે પ્લોટ ખાલી છે.
મહુવાના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણમશીનથી ચાલતા નાના પાયાના ઉદ્યોગો છે. જે ખીલા-ખીલી, ખેત ઔજારોનું ઉત્પાદન કરે છે તેમજ પુલી બનાવવાના 3 થી 4 ઔદ્યોગિક એકમો આવેલા છે.ફાયર ફાઇટર હોઝ પાઇપ બનાવવાની 5 થી 6 ફેક્ટરી આવેલી છે. અને ડીહાઇડ્રેટ ઓનિયન કીબલને પાવડર બનાવવા કીબલ દળવાની 3 થી 4 ઘંટી આવેલી છે.
વડલી નજીકની સરકારી પડતર જમીન ફાળવી શકાય
મહુવામાં ઓનિયન ડીહાઇડ્રેશનના 30 માંથી 105 યુનિટ કાર્યરત થયા છે. આ બધા જ પ્રોસેસ યુનિટને કાચામાલના ગ્રેડીંગ સહિતના વિવિધ કામો માટે તથા અન્ય નાના ઉદ્યોગોને 5 થી 10 હજાર ચો.ફુટની સાઇઝના પ્લોટોની ખૂબ જ જરૂર છે. મહુવાના હિતમાં અને મહુવાના વિકાસને ગતિ આપવા જી.આઇ.ડી.સી. ફેઇઝ-2ની ખૂબ જ જરૂરીયાત છે. આ માટે કિંગ ડીહાઇડ્રેશન સામે અને બાયપાસ રોડ ઉપર આવેલ જૈન સંઘ સંચાલીત પાંજરાપોળ સામે રાતોલ જતા રસ્તા ઉપર વડલી નજીકની સરકારી પડતર જમીન ફાળવવામાં આવે તે જરૂરી છે.> પરેશભાઇ શાહ મંત્રી, મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પ્રમુખ મહુવા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન
બીજી GIDC માટે સંગઠીત પ્રયાસો કરવાની જરૂર
મહુવા ઓનિયન અને અન્ય ખેતપેદાશ ના ડીહાઇડ્રેશન માલના નિકાસ માટે વિશ્વ વિખ્યાત છે. ડુંગળીનુ હબ મહુવા છે. સમગ્ર દેશના ડુંગળીના ઉત્પાદનમાં મહુવા પંથક અગ્રેસર છે અને ઓનિયન ડીહાઇડ્રેશનની નિકાસમાં દેશમાં પ્રથમ નંબર ધરાવે છે. હાલ ઓનિયન ડીહાઇડ્રેશન અને કોલ્ડ સ્ટોરેજ માટે નવા ઔદ્યોગિક ક્ષેત્રની જરૂર છે. આથી જી.આઇ.ડી.સી. ફેઇઝ-2 ની કાર્યવાહી પુન: જીવીત કરવામાં આવે અને મહુવાને બીજી જી.આઇ.ડી.સી. વિસ્તાર મળે તે માટે સંગઠીત પ્રયાસો કરવા માંગ ઉભી થવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.