નવસારીના ચીખલીમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. તેમજ રાજકોટના એક પરિવારનો લીમડી નજીક અકસ્માત થયો હતો. જેમાં પણ 5 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તમિલનાડુમાં રથયાત્રા દરમિયાન અચાનક વીજળીનો તાર અથડાતા આગ લાગી હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. જેને લઈ કથાકાર મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી હતી અને સહાય મોકલી છે.
તામિલનાડુના થાન્જાવુંર જિલ્લાના એક ગામમાં ગયા અઠવાડિયે પરંપરાગત રથયાત્રા યોજાઈ હતી. પ્રતિવર્ષ યોજાતી આ રથયાત્રામાં વહેલી સવારથી સેંકડો લોકો સહભાગી થયા હતા. ત્યારે ભગવાનની આ રથયાત્રાનો રથ અચાનક વીજળીના તાર સાથે અથડાતાં આગ લાગી હતી અને તે આગમાં 11 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ હતભાગી મૃતકો તરફ કથાકાર મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી તામિલનાડુ મુખ્યમંત્રી રાહતનિધિને રૂપિયા 55 હજારનું અનુદાન મોકલ્યું છે.
એ જ દિવસોમાં નવસારીના ચીખલી નજીક એક માર્ગ અકસ્માતમાં 5 લોકોએ અને રાજકોટના એક પરિવારનો લીમડીના કોઠારિયા નજીક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પણ 5 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ હતભાગી લોકોના પરિવારજનો પ્રતિ કથાકાર મોરારીબાપુએ એમની સંવેદના પ્રગટ કરી છે તથા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ હજારની સહાયતા મોકલાવી છે. આ ઘટનાની કુલ એક લાખ ઉપરાંતની રાશી રામકથાના શ્રોતા દ્વારા વિતરિત કરવામાં આવી છે. સૌ મૃતકોના નિર્વાણ માટે બાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.