'રાજવીને મળે ભારત રત્ન':ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુએ કરી માંગ

ભાવનગર25 દિવસ પહેલા
  • ભાવનગરના એરપોર્ટનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એરપોર્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ
  • આ અગાઉ અનેક સંસ્થાઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે તેવી માંગ કરી હતી

ભાવનગર શહેર તેનો 300મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુએ માંગ કરી છે. તેમજ ભાવનગરનું એરપોર્ટ આધુનિક બનાવવામાં આવે અને તેનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એરપોર્ટ કરવામાં આવે તેવી મોરારીબાપુએ માંગ કરી છે. આ અગાઉ અનેક સંસ્થાઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તેવી માંગ કરી હતી.

મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ભાવનગર રાજ્યના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું છું કે, ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે ભારતને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પહેલને સ્વીકારી સમગ્ર દેશમાં પોતાનું રાજ્ય સૌથી પહેલા અર્પણ કર્યુ હતું, તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારૂં નમ્ર સુચન છે.

ભાવનગરનું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું નામાભિધાન કરવામાં આવી શકે. બાપુએ ભાવનગર રાજ્યના મહારાજાનું ગૌરવ વધે તે માટેના કરેલા નમ્ર સુચન માટે સૌ કોઈએ તેમને આવકાર આપી રાજકીય રીતે તેને બળ મળે તેમ સૌ ભાવનગરવાસીઓ ઈચ્છી રહ્યાં છે.

ભાવનગર શહેર તેમનો 300મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ દેશ દુનિયાના અનેક લોકો ઉજવણીના ભાગીદાર થયાં છે અને ભાવનગરને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય તમામને ખૂબ ખૂબ અભિનંદન આપીને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...