ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વહેણ અને કેનાલ પર થયેલા કુદરતી અને માનવસર્જીત દબાણો દૂર કરવા અને રસ્તાના અધુરા રહેલા કામો તાકીદે પુરા કરવા જરૂરી છે. ભાવનગર નારી ચોકડીથી સીદસર જવાનો રોડ સહિતના અનેક રોડની હાલત બદતર છે. રસ્તા અને બ્લોકના કામો માટે ચારેબાજુ રસ્તાઓ ખોદી નાખ્યા છે ત્યારે તંત્રવાહકો સમયસર આ કામ પૂર્ણ કરાવે તે જરૂરી છે.
ચોમાસામાં વરસાદી પાણીના કુદરતી વહેણમાં દબાણો થવાના કારણે ગત વર્ષે બોરતળાવ પાસે આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક સ્થળોએ લારી-ગલ્લા ઝુંપડપટ્ટીઓના એવા દબાણ થઈ ગયા છે જેને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય તેમ છે.
વરસાદી પાણીના નિકાલની સાથે જ શહેરમાં ચારેબાજુ રસ્તા, બ્લોક, ગટરના કામો માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. આ કામ ચોમાસા પહેલા સમયસર પુરૂ થાય તેવી તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે. ભાવનગર નારી ચોકડીથી સીદસર જવાનો રસ્તો તૂટી ગયો છે અને રસ્તામાં ભારે મોટા ખાડા પડી ગયા છે.
દબાણો દૂર કરવા સુચના આપી છે
કેનાલ-વરસાદી પાણીની નિકાસમાં અવરોધ ઉભો થતો હોય તેવા દબાણો, ઝાડી-ઝાંખરા દૂર કરવા, લાઈન સાફ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપેલ છે. - યોગેશ નિરગુડે, ઈન્ચાર્જ મ્યુ.કમિ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.