તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોહંમદ ટાટાનો પિતરાઇ અફઝલઅલી રૂ 739 કરોડના બોગસ બિલિંગમાં જબ્બે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટેટ GSTના દરોડામાં માધવ કોપરની 425 કરોડની ગેરરીતિ ખુલી
  • ભાવનગરમાં GST દ્વારા 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા

સ્ટેટ જીએસટી વિભાગની અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડાની ટીમો દ્વારા 71 સ્થળોએ બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ મેળવવા અંગે પાડવામાં આવેલા દરોડામાં ભાવનગરની માધવ કોપર લિમિટેડમાંથી 425 કરોડની અને અફઝલઅલી સાદીકઅલી સવજાણીની 739 કરોડની ગેરરીતિઓ ખુલવા પામી છે. સાદીકની ધરપકડ કરાઈ છે.

તા.7 જુલાઇને વહેલી સવારથી કુલ 36 કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલિંગના ઓપરેટરો તથા તેઓના સંલગ્ન અન્ય ઇસમોના ધંધાના અને રહેઠાણના કુલ 71 સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. તે પૈકી ભાવનગરમાં 42 સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.

ભાવનગરની ખ્યાતનામ મોણપરા પરિવારની માધવ કોપર લિમિટેડમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ થકી ખોટી વેરાશાખ મેળવવામાં આવી રહી હોવાનું જણાતા સ્થળ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડીજીટલ ડેટા મળી આવ્યા હતા. માધવ કોપર લિમિટેડના સ્થળોએ હજુ તપાસની કામગીરી ચાલુ છે. પ્રાથમિક રીતે આ કંપનીમાંથી 425 કરોડની ખરીદી દર્શાવી આશરે 75 કરોડની ખોટી વેરાશાખ મેળવાઈ હોવાનું સપાટી પર આવ્યુ છે. હજુ આંકડો વધવાની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

બીજી તરફ બોગસ બિલિંગની અંધારી આલમના ટોચના ગણાતા મોહંમદ ટાટાના પિતરાઇ ભાઇ અફઝલ સાદીકઅલી સવજાણીએ જુદી જુદી 25 પેઢીઓમાં કુલ 739 કરોડનું બોગસ બિલિંગ થકી 135 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું અને કૌભાંડ થકી સરકારી તીજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યુ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. નાના-નાના અનેક પન્ટરોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા)એ 24 પેઢીઓ બનાવી 577 કરોડના બોગસ બિલિંગ થકી 109 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું જણાતા તેઓની પણ ધરપકડ કરાઈ છે.

રીકવરી થાય તો સાચુ, કિંગપિન પકડાતા નથી
ભાવનગરના સાદીકઅલી સવજાણી અને માધવ કોપર લિમિટેડનું 739 કરોડ અને 75 કરોડનું બોગસ બિલિંગ શોધી કાઢવામાં સ્ટેટ જીએસટીની ટીમોને સફળતા તો હાથ લાગી છે. ભૂતકાળમાં પણ આવા કરોડો રૂપિયાના બોગસ બિલિંગના કાૈભાંડો પકડાયા છે, પરંતુ કરવેરા અને પેનલ્ટીની રીકવરી બાબતે તંત્રને ધાર્યી સફળતા હાથ લાગતી નથી. બીજી તરફ નાના-નાના પન્ટરોને પકડીને તંત્ર પોરસાવા લાગે છે પરંતુ બોગસ બિલિંગના કિંગપિન કોણ છે તેની તમામ માહિતિઓ હોવા છતા તંત્રના હાથ આવા લોકો સુધી પહોંચવામાં ટુંકા પડે છે.

ટાટાના પન્ટરો ઉવાચ, કોઇની ત્રેવડ નથી
બોગસ બિલિંગના કેસોમાં છેલ્લા ચાર વર્ષમાં ભાવનગર ખાતે અનેક વખત રેડ પડી ચૂકી છે, જીએસટીના ઉચ્ચ અધિકારીઓ, ઇન્ટેલિજન્સ વિંગ પણ જાણે છે કે આ કાૈભાંડની પાછળ ટાટા છે, પરંતુ અત્યારસુધી કોઇ ટાટાની સામે કાર્યવાહી કરી શક્યુ નથી. ટાટાના પન્ટરો ગળુ ખોંખારીને કહે છે, કોઇની ત્રેવડ નથી કે ટાટાને હાથ પણ લગાડી શકે, અધિકારીઓથી માંડી અને સરકાર સુધી તમામના મોઢામાં ટાટાના નાણા ભરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...