ટાર્ગેટ ભાવનગર:23મીએ મોદીની સભા તો 26મીએ કેજરીવાલનો રોડ શો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૂંટણી જાહેર થયા બાદ બીજીવાર વડાપ્રધાન મોદી ભાવનગરમાં
  • પશ્ચિમ બેઠક પણ હોટ​​​​​​​ ફેવરિટ, બે દિવસ પૂર્વે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની સભા યોજાઇ હતી તો હવે વડાપ્રધાન મોદીની પણ પશ્ચિમ વિસ્તારમાં સભાનું આયોજન

વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લો પણ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગરની પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે મહત્વની હોય તે રીતે સભા સરઘસોના આયોજનો થઈ રહ્યા છે. ભાવનગર ખાતે આગામી 23મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે જ્યારે 26મી ના રોજ ભાવનગર શહેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. જેને કારણે સુષુપ્ત અવસ્થામાં રહેલી ચૂંટણીના અંતિમ દિવસોમાં ગરમાવો ફેલાયો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય કરવામાં ફેલાઈ રહ્યો છે. રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓના પણ ભાવનગરમાં વારંવાર પડાવ નખાઈ રહ્યા છે. રાજ્યકક્ષાએ ભાવનગર પણ રાજકીય પક્ષો માટે અતિ મહત્વનું બની ગયું છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પણ હોટ ફેવરિટ હોય તેમ આ બેઠક પરથી કેબિનેટ શિક્ષણ મંત્રી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ રાજકીય વર્તુળોના માનવા મુજબ મહદ અંશે સક્ષમ છે.

બે દિવસ પૂર્વે ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આવ્યા હતાં. ત્યારે હવે આગામી 23 મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર અર્થે ભાવનગર આવી રહ્યા છે. અને તેઓની જાહેર સભાનું પણ ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જ ચિત્રા ખાતે સ્વામિનારાયણ મંદિર પાછળના મેદાનમાં આયોજન કર્યું છે. જેના પરથી જ ભાવનગર પશ્ચિમ બેઠકની મહત્વતા પ્રતિપાદિત થાય છે.

જ્યારે રાજકીય પક્ષો માટે ગુજરાત રાજ્યમાં ભાવનગર પણ અતિ મહત્વનું હોય તે રીતે 23 મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ 26 મી નવેમ્બરે ભાવનગર આવી રહ્યા છે. શહેરના ટાઉનહોલ થી ખારગેટ સુધી અરવિંદ કેજરીવાલની રેલી યોજાશે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા વિસ્તારની હદને સ્પર્શતા વિસ્તારમાં કેજરીવાલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતાઓના હજુ વાવડ નથી
વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ભાવનગરમાં આવાગમન શરૂ છે છતાં હજુ કોંગ્રેસના કોઈ નેતા ચૂંટણી પ્રચાર માટે ભાવનગરમાં દેખાતા નથી. જેથી કોંગ્રેસના ઉમેદવારો જ સભા સરઘસ તેમજ ઘરે ઘરે પ્રચારમ‍ાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...