મંત્રી પદનો સૂર્ય પૂર્વમાં અસ્ત પશ્ચિમમાં ઉગ્યો:જીતુ વાઘાણી કેબિનેટમાં શિક્ષણમંત્રી રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવેની ઘરવાપસી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખ પદ છોડ્યા બાદ મુક સેવકની સતત જનસેવાનુ જીતુ વાઘાણીને ફળ મળ્યું, કેશુ નાકરાણી, આત્મારામને નસીબે સાથ ન આપ્યો
  • કોળી સમાજનું​​​​​​​ પલ્લુ બેલેન્સ કરવા માટે મહુવાના આર.સી.મકવાણા રાજ્યમંત્રી બન્યા, પરષોતમ સોલંકીને હવે આરામ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોતાના નેતૃત્વમાં નવા મંત્રીમંડળમાં નો-રિપીટ નીતિ અપનાવતા ભાવનગરના બે મંત્રીઓના પતા કપાતા તેમની સામે બે ધારાસભ્યોનો મંત્રી પદ માટે સમાવેશ કરાયો છે. પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યને અપાયેલા શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પદની જવાબદારી છીનવી લઈ ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં શિક્ષણની જ ઉચ્ચ કક્ષાની કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપાઈ છે. જાણે પૂર્વમાંથી અસ્ત થયેલો મંત્રીપદનો સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો હોય તેમ આજે જીતુભાઇ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કેશુભાઈ નાકરાણી અને આત્મારામ પરમારને મંત્રી પદ માટે નસીબે સાથ ન આપ્યા.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વધુ બેઠકો મેળવવાના લક્ષ્ય સાથે ભાજપે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા છે. કેબિનેટ કક્ષાના 10, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા 5 અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓએ આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતાં. અને ભાવનગર જિલ્લાને નહીં નફો નહિ નુકશાનના ધોરણે રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને પરસોત્તમભાઈ સોલંકીને હટાવી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. જીતુભાઈ વાઘાણી ને શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક કેબિનેટ મંત્રી તરીકે તેમજ આર.સી. મકવાણાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી સોંપાઈ છે. ભાવનગર માટે ગૌરવપ્રદ બાબત એ છે કે, રાજ્યકક્ષાના મંત્રી પદમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી સુધી પ્રગતિ થઈ છે. વિભાવરીબેન દવે અને પરસોત્તમભાઈ સોલંકીનો ભાજપની નો રિપીટ થિયરીએ ભોગ લીધો છે. પરંતુ ભાવનગર જીલ્લાનો કેન્દ્રીય અને રાજ્ય કક્ષા સુધી મંત્રીપદ દબદબો રહ્યો છે. વર્ષ 2016 થી 2020 ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુભાઇ વાઘાણીએ જવાબદારી નિભાવ્યા બાદ હાલમાં તેમને કેબિનેટ મંત્રી પદ સોંપાયું છે. જીતુભાઈની કેબિનેટ મંત્રી તરીકે પસંદગી થતા ભાજપ કાર્યાલયે ઉજવણી કરાઈ હતી. જ્યારે બંને ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ થતા શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આવકાર્યા હતા.

જીતુભાઈની રાજકીય કારકિર્દી
જીતુભાઈ વાઘાણી શરૂઆતથી જ ભાજપ વિચારસરણીને વરેલા છે. વર્ષ 1990-91માં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાથી રાજકીય પદની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય, યુવા મોરચાના શહેર પ્રમુખ, શિક્ષણ સમિતિના સદસ્ય, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર, શહેર ભાજપ મહામંત્રી ત્યારબાદ પ્રદેશ કક્ષાએ પ્રવેશ કરતા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ પ્રદેશ મંત્રી અને વર્ષ 2012માં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય પદે વિજેતા બન્યા હતા. અને ત્યાર પછી 2016 થી 2020 દરમ્યાન ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ નિભાવી હતી જ્યારે હાલમાં તેઓને કેબિનેટ મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.

આર.સી. મકવાણાની રાજકીય કારકિર્દી
મહુવા વિધાનસભાના ધારાસભ્ય સ્વ. છબીલદાસ મહેતા 1995 માં મુખ્ય પ્રધાન રહ્યા બાદ 26 વર્ષે મહુવાને સરકારમાં મંત્રી પદ પ્રાપ્ત થયું છે. મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાએ ભાજપ યુવા મોરચા થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આરસી મકવાણા કોળી સમાજનો એક ઉભરતો મોટો ચહેરો છે. સતત પાંચ વખત ભાવનગર જિલ્લા સંગઠનમાં જવાબદારી તથા શિક્ષણ સમિતિના ચેરમેન અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અમરેલી લોકસભા ચૂંટણીમાં ત્રણ વખત ઇન્ચાર્જ રહી ચૂક્યા છે અને ત્રણેય વખત મહુવા વિધાનસભામાં ભાજપને લીડ અપાવી કોળી સમાજના કદાવર નેતા તરીકે ઉપસી આવ્યા છે. જિલ્લા ભાજપમાં મહામંત્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રના કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી પ્રથમવાર મંત્રીમંડળમાંથી બાકાત
સમગ્ર સૌરાષ્ટ્ર પંથક પર કોળી સમાજ પર પક્કડ જમાવેલા અને કદાવર નેતા તરીકેની છાપ ધરાવતા પરસોત્તમભાઈ સોલંકીને ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સરકારમાં પણ પરસોત્તમભાઈ સોલંકી ને મંત્રીપદ સોંપાયું હતું. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે નવા મંત્રીમંડળમાં પરસોત્તમભાઈ સોલંકીની બાદબાકી કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ પરસોત્તમભાઈ સોલંકીનો મંત્રી મંડળમાં સમાવેશ કરવો પડ્યો હતો. ભાજપ મોવડીમંડળ માટે પરસોત્તમભાઈ સોલંકીને મંત્રીમંડળમાંથી હટાવવા માટે ભૂતકાળમાં પણ ઘણું મુશ્કેલ ભર્યું રહ્યું હતું. ત્યારે હાલમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પરસોત્તમભાઈ સોલંકીને મંત્રીમંડળમાંથી બાકાત રાખવાની હિંમત દાખવવામાં આવતા અનેક શંકા કુશંકા ઉપજે છે. પરંતુ કોળી સમાજના માથા સામે કોળી સમાજ નું માથું આપ્યું હોય તેમ પરસોત્તમભાઈ સોલંકી ની બાદબાકી કરી આરસી મકવાણાને મંત્રીમંડળમાં સ્થાન આપી કોળી સમાજને સાચવવાનો પ્રયાસ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરશોતમભાઈ સોલંકી વર્ષ 1998થી ધારાસભ્ય સાથે મંત્રી પદે પણ સતત રહ્યા છે.

પક્ષના નિર્ણયને આવકાર, નવી ટીમને સહકાર : વિભાવરીબેન
ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિભાવરીબેન દવેને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ હતી. તેઓની ધારાસભ્ય તરીકેની ટર્મ પૂરી થાય તે પૂર્વે જ નો રિપીટ થિયરીમાં મંત્રી પદેથી હટાવતાં વિભાવરીબેન દવેએ પક્ષ દ્વારા જે કંઈ નિર્ણય લેવાયો છે તેમને આવકારી નવા મંત્રીમંડળની ટીમને સહકાર સાથે આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ બેઠક મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...