અષાઢમાં આખો માસ વરસાદ બાદ શ્રાવણમાં રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે જેને પગલે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આજે ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસમાં ટૂંકા બ્રેક બાદ આજથી મેઘરાજાનું પુનરાગમન થયું છે અને મહુવામાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જેસર, ભાવનગર, તળાજા અને વલ્લભીપુરમાં શ્રાવણી સરવડા વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં કુલ વરસાદ 288 મી.મી. થઇ ગયો છે જે જિલ્લામાં ચોમાસાની સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 46.61 ટકા થાય છે. આજે મહુવા શહેર અને તાલુકામાં આજે બપોરે 1 ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલ. આજે 24 મી.મી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 534 મી.મી.(21.5 ઇંચ) થવા જાય છે. આજે ભાવનગર શહેરમાં સાંજના સમયે હળવું ઝાપટા વરસતા વાતાવરણમાં બફારામાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જ્યારે જેસરમાં અને તળાજામાં 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે વલ્લભીપુરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.