વરસાદનું ઓડીટ:સૌરાષ્ટ્રભરમાં મેઘાની હેલી પણ ભાવનગરમાં મેઘવિરામ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાળુભાર નદીમાં નવા નીર આવતા ઉમરાળાના પાદરમાં નદીના બન્ને કાંઠાઓ પાણીથી છલકાયા છે. - Divya Bhaskar
કાળુભાર નદીમાં નવા નીર આવતા ઉમરાળાના પાદરમાં નદીના બન્ને કાંઠાઓ પાણીથી છલકાયા છે.
  • છ ડેમના જળ સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદ, મહુવા અને ભાવનગર શહેરમાં સિઝનનો 24 ઇંચ વરસાદ
  • શેત્રુંજી ડેમમાં આવક ઘટતા 15 દરવાજા એક ફૂટ ખુલ્લા : તળાજા પંથકમાં અડધો ઈંચ વરસાદ, સાત તાલુકામાં ઝાપટા

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં આજે હળવા-ભારે ઝાપટા થી લઈને અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તળાજામાં આજે 15 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે મહુવામાં 10 મી.મી વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર, જેસર, સિહોર, ઘોઘા અને પાલિતાણામાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 415 મીમી થતાં કુલ વાર્ષિક વરસાદ 595 મીમીના 70.26 ટકા વરસાદ વરસી ગયો છે.

ભાવનગર જિલ્લામાં ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે મોટાભાગે ધીમીધારે વરસાદ રહ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ સાંજ સુધીમાં તળાજામાં 15 મિ.મી નોંધાયો હતો. આ ચોમાસામાં ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ તળાજામાં વરસ્યો છે. તળાજામાં આ સિઝનમાં કુલ વરસાદ 275 મીમી એટલે કે 11 ઇંચ થયો છે.

મહુવામાં આજે 10 મીમી વરસાદ વરસતા આ સિઝનમાં મહુવામાં કુલ વરસાદ 600 મીમી એટલે કે 24 ઇંચ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં આજે બે મિલીમીટર વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 600 મીમી એટલે કે 24 ઇંચ થઈ ગયો છે. આમ આ બંને તાલુકામાં આ ચોમાસામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

આજે સિહોર અને જેસર તાલુકામાં પાંચ મિલીમીટર, ઘોઘામા ચાર મીમી અને પાલિતાણામાં એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો. સાંજ સુધીમાં ક્યાંય વરસાદ ન હતો. ભાવનગર શહેરમાં બપોર સુધી તડકો નીકળતા નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. જોકે હજી ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે અને ગમે ત્યારે વરસાદ વધશે તેવું વાતાવરણ જામેલું છે.

જિલ્લાના જળાશયોમાં 91% પાણીનો સંગ્રહ
ભાવનગર શહેર અને જિલ્લામાં તાજેતરના ધીમી ધારના વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક શરૂ છે. પાલિતાણાનો શેત્રુંજી ડેમ ગઈકાલે સોમવારે આ સિઝનમાં બીજીવાર ઓવરફલો થયો હતો અને આજે વહેલી સવારે પાણીની આવક વધતા આ ડેમના તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા.ત્યારબાદ ઉપરવાસની આવકમાં ઘટાડો થતાં બપોરે 30 દરવાજા અને સાંજે છ વાગે 15 દરવાજા એક ફૂટ ખુલ્લા હતા.

શેત્રુંજી ડેમમાં સાંજના સમયે 1630 ક્યુસેક પાણીની આવક શરૂ હતી. જિલ્લામાં અન્ય જે જળાશયોમાં પાણીની આવક શરૂ હતી તેમાં રજાવળ ડેમમાં 463 ક્યુસેક, માલણ ડેમમાં 279 ક્યુસેક, હમીરપરામા 43 ક્યુસેક, બગડ ડેમમાં 554 ક્યુસેક, રોજકી ડેમમાં 249 ક્યુસેક અને કાળુભાર ડેમ માં 210 ક્યુસેક પાણીની આવક સાંજે શરૂ હતી.

જ્યારે આજે જે ડેમના જળ સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદ નોંધાયો છે તેમાં ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં 60 મીમી, રોજકી ડેમ ના જળ સ્ત્રાવ ક્ષેત્રમાં 50 મીમી, માલણમાં 30 મીમી, તેમજ લાખણકા અને જસપરા માંડવા જળાશયમાં 15-15 મીમી વરસાદ નોંધાયો હતો હમીરપરા ડેમના જળ સ્ત્રાવ ક્ષેત્રમાં પાંચ મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...