વાતાવરણમાં પલટો:ગુરૂપૂર્ણિમાના પરોઢીયે મેઘ મહેર : મહુવામાં દોઢ ઈંચ વર્ષા

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદથી પાક માટે કાચું સોનું વરસ્યું
  • જેસરમાં એક ઇંચ, ગારીયાધાર સિહોર અને પાલીતાણામાં અડધા ઈંચથી વધુ વરસાદ

ચોમાસામાં વરસાદ મુખ્ય માટેનો અષાઢ માસ મુખ્ય ગણાય છે, તેમાં પણ આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ અને તેની વહેલી સવારે વરસાદ વર્ષો તે અત્યંત શુકનવંતુ ગણાતું હોય સમગ્ર ગોહિલવાડ પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસતા આજે ખુશાલી ફેલાઈ ગઈ છે. આજે સૌથી વધુ મહુવા પંથકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો જ્યારે જેસર પંથકમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ગારિયાધાર, સિહોર અને પાલિતાણામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે તળાજા, ઘોઘા, ઉમરાળા વલભીપુર અને ભાવનગરમાં પણ હળવા ભારે ઝાપટાં સાથે વરસાદ વરસ્યો હતો આમ આજે સમગ્ર પંથકમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા ખરીફ પાક માટે આ વરસાદ કાચું સોનું સાબિત થશે.

મહુવા શહેરમાં આજે સાંજ સુધીમાં 42 મીમી વરસાદ વરસી ગયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી.  મહુવામાં આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 218 મીટરના આંકને આંબી ગયો છે. જેસરમાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો ગારિયાધારમાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગુરુપૂર્ણિમાની વહેલી સવારના શુકનવંતા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા.

આજે પાલીતાણા અને શિહોરમાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો જ્યારે તળાજા, ઉમરાળા, ઘોઘા, વલભીપુર અને ભાવનગરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.ધોળા જંકશનમાં લાંબા વિરામ બાદ આજે મેઘ મહેર થતા લોકો ખુશખુશાલ થયા હતા અને આખો દિવસ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે મેઘ મહેર વરસી હતી.

સાવરકુંડલામાં એક ઇંચ વરસાદ
સાવરકુંડલા ખાતે વ્હેલી સવારે જ આભમાંથી ધીમી ધારે વરસાદનું આગમન થયું. લગભગ દોઢેક કલાક સુધી વરસાદ વરસતાં લોકોને ગરમીથી થોડે ઘણે અંશે રાહત મળી છે. જો કે હજુ પણ વાતાવરણ વાદળછાયું છે. લગભગ એકાદ ઈંચ વરસાદથી ખેડૂતોને હૈયે થોડી ટાઢક વળતી જોવા મળી હતી. 

ક્યાં કેટલો વરસાદ
તાલુકો    વરસાદ
મહુવા    42 મી.મી.
જેસર    21 મી.મી.
ગારિયાધાર    17 મી.મી.
સિહોર    14 મી.મી.
પાલિતાણા      12 મી.મી.
તળાજા    10 મી.મી.
વલભીપુર       09 મી.મી.
ઉમરાળા    04 મી.મી.
ઘોઘા    03 મી.મી.
ભાવનગર      01 મી.મી.

અન્ય સમાચારો પણ છે...