વિશેષ:મેગા ડ્રાઈવ સફળ, 1 દિવસમાં 1,04,454 લોકોને રસી કવચ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં સૌથી વધુ ભરતનગર હેલ્થ સેન્ટર અને તાલુકાઓમાં મહુવા તાલુકામાં રસીકરણ થયું

હાલમાં કોરોના મહા રસીકરણ અભિયાન રેકોર્ડ બ્રેક કરવા તથા સંભવિત કોરોના ની ત્રીજી લહેર ને અટકાવવા માટે શુક્રવારે રોજ ગુજરાત માટે યાદગાર બનાવવાના હેતુથી "અબ કી બાર 40 લાખને પાર" નાં સૂત્ર સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં 1,04,454 વ્યક્તિઓએ કોરોના વિરુદ્ધ રક્ષણ માટે વેક્સિન લીધી હતી. ભાવનગરમાં કુલ 1,37,500 વ્યક્તિઓનું રસીકરણ કરવાનો ટાર્ગેટ હતો જેમાંથી 75.97 ટકા રસીકરણ કરી દેવામાં આવ્યું છે.

આ રસીકરણ અંતર્ગત જિલ્લામાં કુલ 10 તાલુકાઓમાં 89,654 લોકોનું રસીકરણ થયું હતું. જ્યારે શહેરમાં 16 યુ.પી.એચ.સી પર 65 કેન્દ્રો માં 14800 વ્યક્તિઓએ રસીકરણ કરાવ્યું હતું. રેલવે હોસ્પિટલ પર 21 વ્યક્તિઓનું, સર.ટી. હોસ્પિટલ ખાતે 59 લોકોનું અને મેડિકલ કોલેજ 30 લોકોનું રસીકરણ થયું હતું. અર્બન હેલ્થ સેન્ટર પ્રમાણે સૌથી વધુ રસીકરણ ભરતનગર માં અને તાલુકાઓમાં સૌથી વધુ રસીકરણ મહુવા તાલુકામાં થયું હતું. આ રસીકરણ મેગા ડ્રાઈવમાં જિલ્લામાં 89,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. તંત્ર દ્વારા આપવામાં આવેલા 90 ટકા ડોઝ કોવિશિલ્ડ વેક્સિન નાં હતાં .

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 75 ટકા લોકો અને શહેરમાં 85 ટકા લોકો કોરોનાનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે. જિલ્લામાં 50 હજાર લોકો બીજા ડોઝ માટે લાયક છે.ઉલ્લેખનીય છે કે, ભાવનગર જીલ્લાના વિવિધ 600 સ્થળે 1,10,000 લોકોનું રસીકરણ કરવામાં આવશે તો ભાવનગર શહેરમાં 27,500 લોકોનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં ઘણાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારના નક્કર કદમથી લોકોને સમયસર સારવાર મળી રહી તેની સાથે લોકોને સુરક્ષિત રાખવા રસીકરણના અભિયાનને તેજ બનાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે.

કલેકટર, કમિશનર, ડી.ડી.ઓ રસીકરણ વધારવા ફિલ્ડમાં
કલેક્ટર યોગેશ નિરગૂડેએ આજે વહેલી સવારે તેઓએ ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ નીરીક્ષણ કર્યું હતું. કૉર્પો. નાં કમિશનર એમ.એ.ગાંધીએ પણ આ જ રીતે ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા પણ આજે વહેલી સવારે ઘોઘા ખાતેના મોરકવાડાના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...