નુકશાન:ગોહિલવાડમાં મહામારીની સાથે માવઠાનો માર

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કમોસમી છાંટા વરસ્યા : સિહોર, મહુવા, વલભીપુર અને અન્ય વિસ્તારમાં માવઠાથી પાકને નુકશાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ભાવનગર સહિત રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આજે ગુરૂવારે બપોરથી ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક કમોસમી છાંટા તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. શહેરમાં વરસાદી વાદળો છવાયેલા છે અને આ ઋતુથી કોરોનાની મહામારી સાથે માવઠું ભળતા રોગચાળો વધુ વકશે તેવો માહોલ છવાયો છે. માવઠાના આ સંકટની સાથે સાંજના સમયે ટાઢોબોળ પવન પણ ફૂંકાયો હતો.

પવનની ઝડપ વધતા બપોરે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગોહિલવાડ પંથકમાં સિહોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં લહેરાતા ઘઉં, ચણા, કપાસ, ડુંગળી, કોબીજ, ટામેટા, રજકો, જુવાર સહિતના પાક અને ઘાસચારાને નુકસાન થવા પામેલ છે. ગારિયાધાર,ગઢડા અને ધોળા, પાલિતાણામાં માવઠુ વરસ્યું હતું.

ભાવનગર શહેરમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૂર્યપ્રકાશનું સ્થાન વરસાદ વરસે તેવા વાદળોએ લીધું હતુ. આ વાતાવરણથી ખાસ તો ખેડુતોમાં પાકને લઇને ચિંતા પ્રસરી વળી છે. તો શહેરીજનોમાં પણ રોગચાળો વકરે તેવા વાતાવરણથી ચિંતા જાગી છે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજથી શહેરમાં ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. આથી આજે અને આવતીકાલે 7થી 8 જાન્યુઆરી દરમ્યાન શહેરમાં અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે.

આ સાથે દિવસ અને રાત્રિના તાપમાનમાં પાછલા દિવસોની સરખામણીમાં મહત્વપૂર્ણ ઘટાડાની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશ: 5 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેથી ઠંડીનું પ્રમાણ ફરી એકવાર વધશે. પવનની પેટર્ન દક્ષિણ-પશ્ચિમ દિશાની રહેશે. એટલું નહીં હવામાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે. સિહોર શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકના સાગવાડી, ભડલી, ધ્રુપકા, સર, કાજાવદર, ખાંભા, જાંબાળા, તરશિંગડા વાડી વિસ્તાર સહિતના ગામોમાં હળવાથી ભારે ઝાપટા વરસી જવા પામ્યા હતા. ગત વરસે છેલ્લે છેલ્લે પડેલા અતિભારે વરસાદે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડયું હતું. અને એની હજી કળ નથી વળી ત્યાં દિવાળી બાદ આ બીજું માવઠું આવતા ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી છે.

માવઠાની આગાહીના અનુસંધાને મહુવા શહેર અને તાલુકામાં વાતાવરણ આજ સવારથી જ પલટાયુ હતુ. અને સાંજે છાંટા પડયા હતા. શિયાળે ચોમાસાનો માહોલ સર્જાતા ખેડુતોમાં શિયાળુ પાક અંગે ચિંતા ઉભી થવા પામેલ. સવારથી જ ગોરંભાયેલુ વાતાવરણ સાંજે છાંટા પડતા માવઠાનો માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલભીપુર શહેર અને પંથકમાં આજરોજ બપોરના સમયે એકાએક વાતાવરણ પલ્ટાની સાથે વરસાદી છાંટાઓ સાથે શરૂ થતા ખેડુતોના જીવ અધ્ધરતાલ થઇ ગયા હતાં. ધરતીપુત્રોને ખેતરોમાં ઉભા શિયાળુ પાકની તેમજ પશુધન ધરાવતા માલધારીઓ ને હાલ સુકા ઘાસચારાની કડબ પણ ખુલ્લામા પડી હોય તે અંગેની પણ ચિંતા વધારી છે. વાતાવરણમાં બદલાવ સાથે ઠંડીનું પ્રમાણ પણ વધતા લોકો ઠુંઠવાયા હતાં. હજી આવતીકાલ તા.7 જાન્યુઆરીના રોજ પણ માવઠુ વરસે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બોટાદમાં માવઠાથી ખેડૂતોને ચિંતા
બોટાદ જિલ્લામાં બે દિવસથી વાદળ છાયું વાતાવરણ રહ્યા બાદ આજે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોનાં જીરૂ, ચણા, ઘઉના પાકને નુકશાન થવાની ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી રોડ ઉપર વરસાદના પાણી વહેતા થઇ ગયા હતા. આ વરસાદથી વાતવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં વધારો થયો છે.

ખેડૂતો કૃષિ પાકોના રક્ષણ માટે પગલા લે
હવામાન વિભાગની આગાહી મુજબ તા.5થી 7 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકસાન ન થાય તેમ જ આવાં કૃષિ પાકોના પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે આ દિવસોમાં જે ખેડૂતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈને આવે તેઓ બંધ બોડીના વાહનમાં આવે અથવા તો તાડપત્રી ઢાંકીને જ કૃષિ પાકોને લાવે. આ ઉપરાંત વેચાણના સ્થળે રાખેલો જથ્થો પલળે નહીં તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ જરૂરી વ્યવસ્થા ગોઠવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...