ધરપકડ:બોગસ બિલિંગના માસ્ટર માઈન્ડ હસન કલીવાલા જેદ્દાહ જતા પકડાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા બાદ પુત્રની પણ બોગસ બિલિંગમાં ધરપકડ
  • SGST એન્ફોર્સમેન્ટે મુંબઈ એરપોર્ટ ઉપરથી ઉઠાવ્યો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ક્ષેત્રે બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિઓમાં સંડોવાયેલા ભાવનગરના હસન કલીવાલાની ગુજરાત સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

ગત જુલાઇ માસથી સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા હસન કલીવાલાની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ તે હાથમાં આવતો ન હતો. તેથી તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ અંગેની માહિતીઓ આપવામાં આવી હતી. રવિવારે વહેલી સવારે ત્રણ વાગ્યે મુંબઈથી જેદ્દાહ જવાની કોશિશ કરી રહેલા હસન કલીવાલાને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.

આગાઉ હસન કલીવાલાના પિતા અસલમ કલીવાલાની બ્લુ સ્ટાર ટ્રેડિંગ કંપનીમાં 41.38 કરોડના બોગસ બિલિંગ અને 6.31 કરોડની ખોટી વેરા શાખ લેવાના કેસમાં ગત સપ્ટેમ્બર મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

એ અગાઉ જુલાઈ મહિનામાં હસનના માતા શબાનાબેન કલીવાલાની એચ.કે. મેટલ્સ નામની પેઢી માં 87 કરોડના બોગસ બિલિંગ, 16 કરોડની ખોટી વેરાશાખ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આમ હસનના માતા-પિતા બંને બોગસ બિલિંગમાં સામેલ છે અને જેલ યાત્રા ખેડી આવ્યા છે, હાલ તેઓ જામીન પર બહાર આવ્યા છે.

સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હસન કલીવાલા સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ જેવા દુષણોનું નેટવર્ક ધરાવે છે અને તેને સહ માસ્ટર માઈન્ડ પણ ગણવામાં આવી રહ્યો છે. ધરપકડ કરવામાં આવેલા હસન કલીવાલાને અમદાવાદ ખાતે લાવી અને તેની રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...