એક્સક્લુઝિવ ફોટો સ્ટોરી:મસ્ત અલંગ: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો સૌપ્રથમ ડ્રોન ફોટોગ્રાફ, ભાવનગરની આર્થિક ક્ષેત્રની કરોડરજ્જૂ

ભાવનગર2 વર્ષ પહેલાલેખક: મહેબુબ કુરેશી
  • કૉપી લિંક
  • છેલ્લા 38 વર્ષમાં 8336 જહાજોએ ખેડી છે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની અંતિમ સફર
  • જહાજ ભાંગવા માટે અલંગ શિપયાર્ડ કુદરતી રીતે આદર્શ સ્થળ હોય 1994માં 64 પ્લોટ હતા તે સંખ્યા હવે વધીને 173 પર પહોંચી ગઈ

અલંગ દરિયા કિનારો વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાપના સાથે ભાવનગર ખાતે વિકાસ પામ્યા નાના અને મોટા આનુષંગિક ઉદ્યોગો અને ભાવનગરના લોકોને વેપાર અને રોજગારીની તકો મળી. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડનું અપગ્રેડેશનપા ગતિમાં છે અને તેનો વ્યાપાર નિશ્ચિતપણે વધવાનો છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં છેલ્લાં 7 વર્ષનો ઇતિહાસ જોઇએ તો સૌથી વધુ જહાજ વર્ષ 2016-17માં આવેલા. આ એક જ વર્ષમાં 259 જહાજ આ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાયા હતા.

જોકે આ વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 75 જહાજ જ ભંગાયા છે અને ગત વર્ષે પણ 187 જહાજ ભંગાયા હતા. હવે જહાજ ભાંગવામાં તેજીનો માહોલ આવશે તેવું લાગી રહ્યું છે. અલંગમાં કુદરતી રીતે જહાજ ભાંગવા માટે શ્રેષ્ઠ દરિયાકાંઠો છે અને સાથે પર્યાવરણની દેખભાળના પ્રમાણપત્રવાળા 150થી વધુ પ્લોટ કાર્યરત છે. 80ના દાયકામાં અલંગ શિપયાર્ડ કાર્યરત થયુ હતુ અને 90ના દસકામાં તેનો શ્રેષ્ઠ સમયગાળો આવ્યો હતો. આજે પણ જાપાનની સહાયથી અલંગમાં ટેકનોલોજી અને પર્યાવરણનો સમન્વય કરીને વિકાસ સાધવાની તકો ખુલી છે.

1900 કરોડના ખર્ચે સ્થપાશે CNG ટર્મિનલ
ગુજરાત સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા 1900 કરોડના રોકાણથી સ્થપાનાર CNG ટર્મિનલ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. ઇ.K. સ્થિત ફોરસાઇટ ગ્રુપ અને મુંબઇ સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રુપ સંયુક્તરૂપે આ પ્રોજેક્ટ ડેવલોપ કરશે. CNG ટર્મિનલ પ્રોજેક્ટ અંતર્ગત ડબલ લોક ગેટ, CNG શિપ્સ, અલીંગસાઇડ થઇ શકે તે માટે વિશાળ જેટી સ્ટ્રકચર અને નિયમિત ડ્રેજિંગની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

1983થી શરૂ થયેલા અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગે પોતાની 38 વર્ષની સફર દરમિયાન અનેક ભરતી-ઓટ, તડકા-છાંયડાનો સામનો કરવો પડ્યો છે. અને અત્યાર સુધીમાં 8336 જહાજોએ અલંગની અંતિમ સફર ખેડી છે. 1970ના દાયકાના અંતમાં એક જહાજ અનિયંત્રિત થતા ગોપનાથ દરિયાઇ કાંઠા તરફ વળી ગયું તે એક મહત્વપૂર્ણ ઘટના હતી અને ઘણું ધ્યાન ખેંચ્યું હતું. ગ્રાઉન્ડ થયેલા જહાજને પુન: તરતુ કરી શકાયુ નહીં અને તેથી જહાજ માલિકો દ્વારા તેને છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ગોપનાથ પોઇન્ટ અલંગની ખૂબ નજીક છે.

તત્કાલીન ભાવનગર પોર્ટ ઓફિસર કેપ્ટન સુંદરેસનને શિપબ્રેકિંગ માટે આદર્શ સ્થળ શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે તેઓએ આલ્ફ્રેડ વિક્ટર પોર્ટ અને તેની આજુબાજુના વિસ્તાર ઉપરાંત ગોપનાથની આજુબાજુ પણ શિપબ્રેકિંગ માટેના સ્થળ માટેની યાદીમાં સમાવિષ્ઠ કર્યા હતા. 1980માં મન્સૂર તાહેરભાઈનું જહાજ M.V. “LEMPA” જામનગર નજીક સચાણા ખાતે પ્લોટથી, દરિયા કિનારેથી દૂર હતું. આનાથી સંભવિત વિકલ્પોમાં ચર્ચા શરૂ થઈ અને વધુ સુગમતા વાળા બીચિંગ માટે યોગ્ય ઉકેલો શોધવામાં આવ્યા.

એન. સુંદરેસન એક અનુભવી કેપ્ટન અને પોર્ટ ઓફિસર હતા, તેઓએ એક સચોટ સ્થાન સૂચવ્યું જે ભાવનગર અને આલ્ફ્રેડ વિક્ટર પોર્ટ વચ્ચેનો વિસ્તાર હતો.કેપ્ટન સુંદરેસને આશીત શિપિંગ અને એ.જસ્વંતરાય એન્ડ કું.ના સ્થાપક, સ્વ.પ્રમોદરાય પરીખ (કાકુભાઈ) અને નિવૃત્ત પોર્ટ અધિકારી ધંધુકીયા સાથે અલંગ લાઈટ હાઉસ અને દરિયાકાંઠાના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું કે જે વિશાળ ભરતી-ઓટની વિભિન્નતા, લાંબા દરિયા કિનારે યોગ્ય જહાજ તોડવાની જગ્યા હોઈ શકે.

વિવિધ બિંદુઓ પર ભરતીની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ નોંધો બનાવવી, નીચા પાણીમાં દરિયો કેટલો દૂર જશે અને ભરતીના પાણીમાં દરિયા કિનારે કેટલો નજીક આવશે તે નોંધ કરી. દરિયાના પ્રવાહની ગતિ, પવનની ઝડપ અને પવનની દિશાઓનું મૂલ્યાંકન અને તોફાન અને ચોમાસાની વિક્ષેપની કોઈપણ પ્રતિકૂળ અસરો કે જે જહાજ તોડવાની પ્રવૃત્તિઓમાં અવરોધ પેદા કરી શકે છે કેમ? તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ નોંધો બનાવવામાં આવી હતી.

13 મી ફેબ્રુઆરી 1983 ના રોજ, જહાજ M.V. KOTA TENJONG (ભાંગવા માટે સુનિશ્ચિત થયેલ પ્રથમ જહાજ)ના કેપ્ટન, જેને ગોપનાથ પોઈન્ટ પર લંગર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તે આ વિસ્તારની બિનઅનુભવીતાને કારણે અલંગ લાઈટ હાઉસ નજીક આકસ્મિક રીતે તેના જહાજને લંગરવા લાગ્યો. બીજા દિવસે જહાજને બીચ કરવામાં આવ્યું હતું, ત્યારથી અલંગ અસાધારણ રીતે વિકસ્યું છે અને તે આજે વિશ્વનું સૌથી મોટું પર્યાવરણને અનુકૂળ શિપ બ્રેકિંગ યાર્ડ છે.

1983 પહેલા, બોમ્બેમાં શિપ બ્રેકિંગ કરવામાં આવતું હતું, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકી અને નાણામંત્રી સ્વ.સનતભાઇ મહેતાએ બોમ્બે ખાતે શિપ બ્રેકર્સનો સંપર્ક કર્યો અને તેમને પૂછ્યું કે અલંગમાં તેમને કયા પ્રકારની સુવિધાઓની જરૂર છે? બિઝનેસ લીડર્સને અલંગમાં આવવા અને તેમના શિપ રિસાયક્લિંગ યુનિટ શરૂ કરવા આમંત્રણ આપ્યું. શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તાના જણાવ્યા મુજબ, અલંગના પ્લોટ નં .3 માં બીજુ જહાજ એટલે કે ડીડીઆર બીચ થયુ.

વર્ષ 1982-83 દરમિયાન માત્ર 5 જહાજો અલંગમાં રિસાયક્લિંગ માટે આવ્યા હતા. પ્રારંભિક સમયગાળા દરમિયાન અલંગમાં 20 શિપ બ્રેકિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પછી સંખ્યા બમણી થઈ, પછી તે 64 પ્લોટ સુધી પહોંચી. 1994 સુધી અલંગમાં 64 પ્લોટ હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડે પછી અલંગ કોસ્ટ એટલે કે જહાજ તોડવાની સુવિધામાં વધારો કર્યો. હવે પ્લોટની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. કેટલાક પ્લોટ કાનૂની લડાઈ ભોગવી રહ્યા છે, તેથી કાર્યરત સંખ્યા 153ની છે.

ગુપ્તાના જણાવ્યા મુજબ, શિવલાલભાઇ દાઠાવાલા, પવનકુમાર જૈન, પ્રવિણભાઇ નગરશેઠ, વિષ્ણુકુમાર ગુપ્તા અને નેમીચંદ જૈને અલંગમાં જહાજ રિસાયક્લિંગનો વ્યવસાય સાથે શરૂ કર્યો છે. અલંગમાં પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) જહાજ રેડ સી પાયોનિયર પ્લોટ નં .8 ઘાસીરામ ગોકલચંદ યાર્ડની જમીનને ચુંબન કર્યું હતુ. VLCCમાં 38000 ની LDT હતી. ત્યાર બાદ GMB એ સોસિયામાં VLCC માટે અલગ પ્લોટ જાહેર કર્યા.

જોખમી કચરાનો આધુનિક પદ્ધતિથી નિકાલ માટે પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ

અલંગના શરૂઆતના તબક્કામાં જહાજ ભાંગવાની પધ્ધતિ પૌરાણિક હતી તેના કારણે અકસ્માતો, પર્યાવરણને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા અને સમગ્ર વિશ્વમાં તેને બિનસરકારી સંગઠ્ઠનો દ્વારા બદનામ કરવામાં આવ્યુ હતુ. પરંતુ સમય જતા શિપબ્રેકરો, જીએમબી અને સરકારે જહાજ ભાંગવાની આધૂનિક પધ્ધતિઓ અપનાવી, જહાજમાંથી નિકળતા જોખમી કચરાના નિકાલ માટે ટીએસડીએફ સાઇટ બનાવવામાં આવી, 2003માં જીએમબી દ્વારા અલંગમાં જહાજ તોડવાની કામગીરીમાં જોડાતા પૂર્વે તમામ કામદારોને ફરજીયાતપણે તાલીમ આપવાનું શરૂ કર્યુ હતુ અને તેના ખુબ જ સારા પરિણામો હાલ જોવા મળી રહ્યા છે.

1990 બાદ અલંગને જનરલ લાયસન્સ મળ્યું
અલંગ શીપ યાર્ડમાં 1990 સુધી તમામ શિપ બ્રેકર્સને MSTC દ્વારા જહાજો ફાળવવામાં આવતા હતા. ત્યારબાદ અલંગમાં ઓપન જનરલ લાયસન્સ (ઓજીએલ) અપનાવવામાં આવ્યું હતું, અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી કેશ બાયરો જહાજ ખરીદી અને અલંગમાં અંતિમ ઉદ્યોગકારોને વેચી રહ્યા છે.

5 વર્ષથી હોંગકોંગ કન્વેન્શનનું અમલીકરણ
ભારત સરકાર દ્વારા 2019માં હોંગકોંગ કન્વેન્શન અપનાવવામાં આવ્યુ છે. ઉપરાંત શિપ રીસાયકલિંગ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ અલંગના ઉદ્યોગકારો હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટ છેલ્લા 5 વર્ષથી બનાવી રહ્યા છે, અને હાલના તબક્કે 100થી વધુ પ્લોટધારકોએ સ્વખર્ચે હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટની સવલતો ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...