વિરોધ:રાજકોટમાં કોંગી કોર્પોરેટરનો ડ્રેનેજમાં ભળતું પીવાનું પાણી પી વિરોધ, ભાવનગરમાં દુર્ગંધયુક્ત પાણી મળતા મહિલાઓમાં રોષ

રાજકોટ2 વર્ષ પહેલા
રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરે ગંદુ પાણી પી વિરોધ કર્યો
  • સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે

રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કાલરીયાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ડ્રેનેજમાં ભળતું પીવાનું પાણી પી વિરોધ નોંધાવ્યો હતો. કાલાવડ રોડ પર આંબેડકરનગર વિસ્તારમાં પીવાનું પાણી ડ્રેનેજ લાઇનમાં જતું હોવાથી વિરોધ કર્યો હતો. પીવાના પાણીની લાઇન લીકેજ હોવાથી પાણી વેડફાઇ છે. આ અંગે મનપાને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ઉકેલ આવ્યો નથી.જ્યારે ભાવનગરમાં મનપા દ્વારા દુર્ગંંધયુક્ત પાણી અપાતા મહિલાઓ એકત્ર થઇ હતી અને રોષ વ્યક્ત કર્યો હતો. 

ભાવનગરના ભરતનગરમાં 15 દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવે છે

ભાવનગરમાં કોરોનાન કહેર વચ્ચે મનપા દ્વારા ડ્રેનેજયુક્ત દુર્ગંધવાળું પાણી વિતરણ કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. મનપા જાણે રોગચાળાને આમંત્રણ આપી રહી હોય તેવા આક્ષેપો મહિલાઓએ કર્યા હતા. શહેરના ભરતનગરના સિતારામનગરમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજયુક્ત દુર્ગંધવાળુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સ્થાનિક રહેવાસીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે એક તરફ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે અને બીજી તરફ પીવામાં પણ ન વાપરી શકાય તેવી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. જેને લઈને અમને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આમ દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...