તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગની અજાણી વાત:અલંગમાં ભંગાતા શિપથી વિશ્વના અનેક જહાજો કરે છે પરિવહન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્તિત્વ દરમિયાન અને અસ્તિત્વ બાદ પણ શિપ ખૂબ ઉપયોગી
  • વપરાયેલી શિપ મશિનરી માટે વિશ્વમાં અલંગ શિપ યાર્ડ ખ્યાતનામ

વિસર્જીત થવું-તૂટવુ મોટાભાગે દુ:ખદ હોય છે, જેમ કે દીલનું તુટવું, કાચનું તુટવું, પરંતુ વિસર્જીત થવાની-તૂટવાની કામગીરી સમૃધ્ધિનું પ્રતિક અને કારણ પણ બની શકે છે. ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાંથી નિકળતી શિપ મશિનરી, પાર્ટ્સ થકી વિશ્વના સંખ્યાબંધ જહાજો જળમુસાફરી આસાનીથી કરી શકે છે.

અલંગમાં આવતા જહાજોમાંથી નિકળતી શિપની મશિનરી, પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી અને તેને જળ પરિવહન ક્ષેત્રે સંકળાયેલા જહાજોમાં પુન: વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મોટા-મોટા જહાજના માલીકો પણ અલંગની રીકન્ડિશન્ડ શિપ મશિનરી પર આધાર રાખે છે.

નેધરલેન્ડની શિપિંગ કંપની ડચ ઇનઓર્બિટના ડેનિયલ વાન ડેરના જણાવ્યા પ્રમાણે, અમારૂ જહાજ વિશ્વમાં ગમે ત્યાંથી પસાર થઇ રહ્યું હોય અને જહાજમાં કોઇ ખોટકો આવે તો તેના નવા પાર્ટ્સ, મશિનરી માટે ઉત્પાદકોનો સંપર્ક કરીએ તો હાજરમાં તે હોય નહીં, તેને બનાવવા પડે, તેમાં 6 થી 8 મહિનાનો સમય પણ લાગે અને ખૂબ ખર્ચાળ પણ હોય છે. પરંતુ જહાજની વપરાયેલી શિપ મશિનરી, પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી અને તેને જ્યાં જહાજ અટકાયેલું હોય ત્યાં ઓછા સમયમાં લગાડી શકાય છે, ઉપરાંત આવા પાર્ટ્સ, મશિનરી ઓરિજનલ હોય છે. અલંગની મશિનરીથી સમયની, નાણાની બચત થાય છે, અને જહાજ લાંબો સમય ઉભુ રાખવું પડતુ નથી.

અલંગમાંથી નિકળતી જહાજની મશિનરીને અહીંના ટ્રેડરો, એક્સપોર્ટરો પોતાના યાર્ડમાં લઇ જઇ, અને નિષ્ણાંત કર્મચારીઓ દ્વારા તેને ખોલી નાંખવામાં આવે છે, અને આખી મશિનરી રીકન્ડિશન્ડ કરવામાં આવે છે. આવી મશિનરી, પાર્ટ્સને દુનિયાના દરેક દરિયામાં ચાલતા જહાજોમાં ઉપયોગ કરવામાં આવે છે. શિપબ્રેકિંગના વ્યવસાય બાદ આ સૌથી મહત્વનો વ્યવસાય છે જે સમગ્ર વિશ્વને અલંગ સાથે જોડવાનું કામ કરે છે.

જહાજો ઉપરાંત ભારતની મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝમાં જહાજમાંથી નિકળતા જનરેટરની માંગ મોટા પાયે રહે છે. આવા જનરેટરો દેશના ખૂણે ખૂણે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ટુંકમાં ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ થકી દુનિયાના અનેક જહાજોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સાધનો મળી રહે છે.

સમય, નાણાની બચત, ઓરિજનલ પાર્ટસ મળે

અલંગમાં ભંગાવા માટે આવતા જહાજોમાંથી નીકળતી મશિનરીઓ વિશ્વના જહાજના માલીકોને તેઓના શિપમાં જ્યારે અને જ્યાં પાર્ટ્સ, મશિનરીની જરૂરીયાત ઉભી થાય છે, ત્યારે શિપના જ ઓરિજનલ પાર્ટ્સ અલંગથી ઉપલબ્ધ બને છે, તેથી સમય, નાણાંની બચત પણ થઇ શકે છે. > ઇરફાન માલવી, સેક્રેટરી, અલંગ શિપ મશિનરી એસો.

પાર્ટ્સની ત્વરીત ઉપલબ્ધી, ઉત્પાદકોથી સોંઘુ મળે

દુનિયામાં જે રનિંગ જહાજો હોય છે તેઓને ક્યારેક ને ક્યારેક મશિનરી, પાર્ટ્સ તૂટી જાય, ખોટવાય જાય છે, તેવા સંજોગોમાં અલંગની રીકન્ડિશન્ડ મશિનરી, પાર્ટ્સ ત્વરીત મળી જાય છે, ઉત્પાદકો પાસેથી નવા મંગાવે તો તેમાં સમય લાગે અને તે ખૂબજ ખર્ચાળ હોય છે, તેથી શિપ માલીકો જહાજની રીકન્ડિશન્ડ મશિનરી પર આધાર રાખે છે. > જી.વી.સિતારામ, પૂર્વ શિપ ચિફ ઓફિસર, ગુમાટેક

અન્ય સમાચારો પણ છે...