ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી છે. સમયાંતરે ફિલ્ટર કરતા ખેડૂતોની સંખ્યા પણ ઘટી છે. વાસ્તવમાં અસલી ખેડૂતો લાભથી વંચિત ન રહી જાય તે માટે કેવાયસી કરેલા ન હોય અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા ખેડૂતોની લાભમાંથી બાદબાકી કરાય છે.
પરંતુ ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતોએ કેવાયસી અપડેટ કરાવી ઇન્કમટેક્સની મર્યાદામાં પણ નહીં આવતા ખેડૂતો કિસાન યોજનાના બારમા હપ્તાથી વંચિત રહી ગયા છે. સરકાર દ્વારા તો ખેડૂતોના હપ્તા માટે રકમ ફાળવી છે પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો સુધી લાભ પહોંચી શક્યો નથી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક મદદ અપાય છે. પરંતુ, સરકારે 12મો હપ્તો જારી કરતા પહેલા ખેડૂતોના ડેટાને ક્લીન કરવા માટે આધાર લિન્ક કરતા લાભાર્થી ખેડૂતોની સંખ્યા ગત 6 મહિનામાં 1.86 કરોડ ઘટી ગઇ. 11માં હપ્તાનો લાભ 10.45 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો, જે 12માં હપ્તામાં ઘટીને 8.58 કરોડ થયા છે. ગુજરાત રાજ્યમાં 6.78 લાખ ખેડૂતો યોજનાના લાભમાંથી ઘટ્યા છે. યોજનામાં પારદર્શિતા તેમજ પાત્રતા નહીં ધરાવતા ખેડૂતોની ઓળખ કરવા માટે ઇ-કેવાયસી લાગૂ કરાયું છે અને આધાર પેમેન્ટ બ્રિજ મારફતે ચૂકવણી કરાઇ રહી છે.
ખેડૂતોની સંખ્યા ઘટતા કેન્દ્ર સરકારે રાજ્યોની સાથે મળીને દરેક ગામમાં ટીમ મોકલવા કહ્યું છે જેથી કરીને અસલી હકદાર લાભથી વંચિત ન રહી જાય. પરંતુ વાસ્તવમાં તંત્રની બેદરકારીને કારણે અનેક ખેડૂતો બારમાં હપ્તાના લાભાર્થી વંચિત રહી ગયા છે. ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતોના કેવાયસી પણ અપડેટ થઈ ગયા હોય અને ઇન્કમટેક્સના ક્રાઇટ એરિયામાં પણ ન આવતા હોય તેમ છતાં તેઓને હજુ સુધી બારમા હપ્તાનો લાભ મળ્યો નથી.
એક તરફ સરકાર ખેડૂતોને રીઝવવા માટે નીત નવી યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ લાંબા સમયે તેનો લાભ પણ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી. ખાસ કરીને ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં અનેક ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળતા સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ખેડૂતોને બારમા હપ્તાનો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.