સજા:ભાવનગરમાં ઉછીના નાણાની ઉઘરાણી કરી યુવાનને મરવા મજબુર કરનારા શખ્સને કોર્ટે 10 વર્ષની કેદ ફટકારી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુવાને ઉઘરાણી કરવા આવેલા શખ્સો સામે જ ઝેરી દવા પી લીધી હતી
  • બે શખ્સોને પુરાવાના અભાવે છોડી મુકવાનો કોર્ટે આદેશ કર્યો

ભાવનગરના ફુલસર વિસ્તારમાં બે વર્ષ પૂર્વે ઉછીના લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે અંગેનો કેસ બોરતળાવ પો.સ્ટે.માં નોંધાયો હતો. જેનો કેસ આજે ગુરૂવારે ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે યુવાનને મરવા મજબુર કરનારા શખ્સને દસ વર્ષની કેદ ફટકારી છે. તેમજ રોકડ દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફુલસર વિસ્તારમાં રહેતા અશ્વિન ચુડાસમાએ કોઈ શખ્સો પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારે ગત તા.2-10-2019 ના રોજ સાંજના સમયે અશ્વિનભાઈ શિવજીભાઈ ચુડાસમા નામનો યુવાન ઘરે હતો.

આ દરમિયાન કમળેજવાળા જીતુ શામજીભાઈ ડાભી તથા અન્ય બે શખ્સો ઉછીના લીધેલા રૂપીયા 50 હજારની ઉઘરાણી કરવા ઘરે આવ્યાં હતા. તેઓએ અમારા રૂપીયા પાછા આપ નહીતર અમને કેવી રીતે કઢાવવા એ આવડે છે તેવી ગર્ભીત ધમકી આપી હતી. જેથી અશ્વિનભાઈએ ઉઘરાણી કરવા આવેલા શખ્સોની સામે પોતાની પાસે રહેલી કપાસમાં છાટવાની દવા પી લેતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગેની પરિવારજનોને જાણ થતા તુરંત જ અશ્વિનભાઈને પ્રથમ ખાનગી ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. જ્યા તેઓનું મોત થયુ હતું.

આ અંગે મૃતકના ભાઈ નાગજીભાઈ શિવજીભાઈ ચુડાસમાએ બોરતળાવ પો.સ્ટે.માં જીતુ શામજી ડાભી અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ આઈપીસી 306, 114 મુજબ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા.

આ અંગેનો કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ જીતુ શામજી ડાભીને કસુરવાર ઠેરવ્યો હતો. તેને 10 વર્ષની કેદ અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સોને પુરાવાના અભાવે છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...