રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે રાત્રે તેમના નિવાસસ્થાન ભાવનગર ખાતે નિધન થયું છે. આવતીકાલે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે. આ સમાચારથી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેઓની અંતિમયાત્રા આવતીકાલે તા.4 ના સવાર ના રોજ ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે.
96વર્ષની ઉંમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા
મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તેમનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા, તેમણે 26 જાન્યુઆરી 1950ના દિવસે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી અને 1978ની સાલમાં બંધ થયું હતું, લોકમિલાપ'ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' બિરુદ પામ્યા હતા અને 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. પોણી સદીથી મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન પ્રસારનું કામ કર્યું હતું.
ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો
ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન થતા ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, 20 જૂન,1923ના રોજ મુંબઇ જન્મેલા મહેન્દ્ર મેઘાણીએ ગત તા. 20 જુન 2022ના રોજ 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, ગુજરાતી સાહિત્ય જગતને આજે કદી ન પૂરાય એવી ખોટ પડી છે. કસુંબલ ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો 'વિરામ' થયો છે.
આવતીકાલે 4 ઓગસ્ટને ગુરુવારે અંતિમયાત્રા મહેન્દ્ર મેઘાણીની અંતિમયાત્રા નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટ (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાન ગૃહખાતે જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.