રજૂઆત:મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંતિમ વર્ષના બાકી પરિણામ તાત્કાલિક જાહેર કરવા માંગ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી.એસસી સેમેસ્ટર 6, બી.સી.એ સેમેસ્ટર 6 તથા બી.એડ સેમેસ્ટર 4ના પરિણામ જાહેર થવાના બાકી
  • અંતિમ વર્ષના મહત્વના પરિણામ આપવામાં ઢીલાશ રાખવાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સંકટમાં મુકાશે - સેનેટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં તથા માર્ચ મહિનામાં લેવાઈ હતી જેમાં 21 ફેબ્રુઆરી આજુબાજુ સેમેસ્ટર 3 અને 5 ની પરીક્ષાઓ યોજાઇ હતી, જ્યારે 21 માર્ચ આજુબાજુ સેમેસ્ટર 2,4,6 ની વિવિધ અભ્યાસક્રમ જેમ કે બી.એસસી, બી.સી.એ., બી.એડ, બી.એ, બી.કોમ વગેરે જેવા વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાંની ઘણી પરીક્ષાઓના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ આજની તારીખે 98 દિવસ કે તેથી વધુ દિવસોનો સમય ગાળો પૂર્ણ થઇ ગયો હોવા છતા પણ બી.એસસી સેમેસ્ટર 6, બી.સી.એ સેમેસ્ટર 6 તથા બી.એડ સેમેસ્ટર 4 તથા અન્ય અંતિમ વર્ષના જે ખૂબ મહત્વના પરિણામો હોય છે તે જાહેર થયેલ નથી.

અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેના ભાવિ ભવિષ્યમાં અન્ય માસ્ટરના અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે અંતિમ વર્ષની પરીક્ષાનું પરિણામ એ ખૂબ જરૂરી હોય છે. અન્ય ઘણી યુનિવર્સિટીઓમાં ઘણા દિવસોથી માસ્ટર તથા બી.એડ માટેની એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરતા સમયે જ વિદ્યાર્થીને પોતાની અંતિમ વર્ષની ઓરીજનલ માર્કશીટ અપલોડ કરવાની કે રજૂ રાખવાની હોય છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા અંતિમ વર્ષના મહત્વના પરિણામ આપવામાં ઢીલાશ રાખવાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સંકટમાં મૂકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

વિષયની ગંભીરતા સમજીને તાત્કાલિક અંતિમ વર્ષના તથા ક્રમશ અન્ય પરિણામો ઝડપથી તથા વ્યવસ્થિત કોઇ ત્રુટિ કે ક્ષતિ ન રહી જાય તે રીતે ખાતરી કરી જાહેર કરવા અનુરોધ છે તથા જે કોઈ કારણ સર આ પરિણામ આપવામાં મોડુ થયેલ છે તેની માટે જવાબદાર પાસેથી વિદ્યાર્થીઓને લેટ ફી સ્વરૂપે જે દંડની જોગવાઈ છે તે મુજબની દંડની વસુલાત કરવા તથા સર્વિસ બુકમાં નોંધ કરવા વિધાર્થીઓ વતી યુનિવર્સિટીના સેનેટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલએ ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...