લવ મેરેજનો લોહીયાળ અંત:સાત જન્મોનો સાથ આપવાના વાયદાનો એક વર્ષમાં જ અંત, સુરતથી આવેલા પતિએ ભાવનગરમાં પત્નીની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • હજી તો ઘરમાં દિવાળીની રંગોળી પણ ભૂંસાઈ નથી, ત્યાં જિંદગીની રંગોળી ભૂંસાઈ ગઇ
  • પ્રેમલગ્ન કરી યુવતીને સુરત લઇ ગયા બાદ પ્રેમી પતિએ રંજાડવાનું ચાલુ કર્યુ
  • પતિનો ત્રાસ સહન ન થતાં પત્ની પિયર આવી તો પતિએ પાછળ આવી હત્યા જ કરી નાખી

વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે સામેના વ્યક્તિને અનેક વચનો આપતો હોય છે. પરંતુ તે પ્રેમની સાચી પરીક્ષા આપણા સમાજમાં થાય ત્યારે પ્રેમને ભુલીને પંખીડાઓ ગમે તે હદ સુધી પહોંચી જતાં હોય છે. આવી જ એક ઘટવા ભાવનગરથી સામે આવી છે. જેમાં સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ પ્રેમલગ્નના માત્ર એક જ વર્ષમાં પ્રેમિકા પત્નની હત્યા કરી છે.

લગ્નના એક વર્ષમાં જ ખૂની ખેલ ખેલાયો
સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરની સરીતા સોસાયટીની શેરી નંબર-6 માં રહેતી 19 વર્ષીય ચાર્મી પ્રવિણભાઈ નાવડીયાએ તા.3/09/2020ના રોજ એટલે કે આજથી એક વર્ષ પૂર્વે વિશાલ ભૂપત વાઘેલા નામના શખ્સ સાથે લવ મેરેજ કર્યાં હતાં અને પ્રેમી પતિ સાથે સુરત સ્થાયી થઈ હતી. પ્રેમમાં ખોટા વાયદા આપનાર વિશાલે લગ્નના થોડા જ સમય બાદ ચાર્મીને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. જેથી અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. અંતે સહન ન થતાં ચાર્મી 20 દિવસ પૂર્વે પતિને છોડી પુનઃ ભાવનગર પોતાના પિતાને ઘરે આવી હતી. જોકે, પતિ વિશાલ પણ યુવતી પાછળ આવ્યો હતો અને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી ચાર્મીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.

પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આ દરમિયાન વિશાલ ચાર્મીની રેકી કરતો હતો, જ્યારે આજે ચાર્મી ઘરમાં એકલી હતી ત્યારે પતિ વિશાલ તેના સાગરીતો સાથે ચાર્મીના ઘરમાં ઘૂસ્યો હતો અને ઝઘડો કર્યો હતો, ઝઘડો ઉગ્ર બનતાં પતિ વિશાલે તેની પાસે રહેલી છરીના પત્ની ચાર્મી ઉપર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે પણ એક ઘા પોતાના પેટમાં ભોક્યો હતો. સોસાયટીના અન્ય મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે વ્યક્તિઓ ચાર્મીના ઘરમાં જતા દેખાઈ છે.

પતિને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
ઘટનાની જાણ આજુબાજુના પાડોશીઓને થતાં તેઓ દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પતિને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવતીના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા
આ ઘટના અંગે ચાર્મીના પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા હતાં કે, આરોપી વિશાલ અવારનવાર ઘરે આવી જાનથી મારી નાખવાની ઘમકી આપતો હોવાની પોતાની દીકરીએ અરજી આપી હોવા છતાં પોલીસે કોઇ કાર્વાહી કરી ન હતીં.

અરજીની તપાસ ચાલુ હતી: એએસપી
આ અંગે એએસપી સફિન હસનએ જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરિતા સોસાયટી શેરી નંબર-6માં વિશાલ ભુપતભાઇ વાઘેલા તથા કલ્પેશ ડાયાભાઇ બંનેએ ચાર્મી નાવડીયાના ઘરમાં ઘૂસી છરી વડે હત્યા કરી હતી. આ બંને પક્ષે અરજીઓ થઈ હતી અને તેની તપાસ પણ ચાલુ જ હતી.

અન્ય સમાચારો પણ છે...