કોર્પોરેશનના શાસકો રોડ પર રોડ બનાવવામાં ગુણવત્તાયુક્ત હોય તેમ દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બનાવે છે અને ચોમાસામાં રોડની નબળી ગુણવત્તા બહાર આવે છે. ગત જૂન મહિનામાં 31 કરોડના રોડના કામ મંજૂર કર્યા જ્યારે આગામી દિવસોમાં બીજા 13 કરોડના રોડના કામ મંજૂર કરશે.
ભાવનગરના મોટાભાગના વિસ્તારોના રોડ બિસ્માર થઈ જતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. તેમાં ઉપકાર કરતા હોય તેમ સરકાર ચોમાસાને કારણે તૂટેલા રોડને રીપેરીંગ કરવા પાંચેક કરોડની ગ્રાન્ટ પણ ફાળવશે. પરંતુ જો એજન્સીઓ પાસે મજબૂત રોડ બનાવવાની શાસકો પોતાની નિયત ની ગુણવત્તા જાળવે તો પ્રજાના કરોડો રૂપિયા રોડ પાછળ વેડફાતા બંધ થાય અને લોકોને હાલાકીનો ભોગ પણ બનવું ન પડે.હલકી ગુણવત્તાના રોડ માટે ભાજપમાં પણ અસંતોષની લાગણી સાથે દેકારો થયો છે અને રિપેરીંગ કરવા સાથે તપાસની પણ માંગ કરી છે.
શહેરનો વિકાસ માત્ર રોડ બનાવવા પાછળ જ શાસકોએ કર્યો છે. પરંતુ તેમાં પણ દર વર્ષે કરોડો રૂપિયાના રોડ પર રોડ બનાવે અને ચોમાસામાં નબળી ગુણવત્તા છાપરે ચડીને પોકારે છે. ગત વર્ષે પણ 100 કરોડથી પણ વધુના ખર્ચે કોર્પોરેશનને રોડ બનાવ્યા હતા પરંતુ હાલમાં શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જેના રોડ બિસ્માર ન બની ગયા હોય.
ખુદ પદાધિકારીઓ જે રોડ પરથી પોતાના નિવાસસ્થાને જાય છે તે રોડ પર રોડ કહેવાને લાયક રહ્યા નથી. છતાં રોડની એજન્સીઓની ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી છાવરી રહ્યા છે. વાહનચાલકોના પણ અનેક અકસ્માતો રોડને કારણે થયા છે. પરંતુ આ ગંભીર બેદરકારી કરનાર એજન્સીઓ સામે આજ સુધી કોઈ એક્શન લેવામાં આવતી નથી.
ગત જૂન મહિનામાં ચોમાસા પૂર્વે 31 કરોડના 176 રોડના કામને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. જે પૈકી 11.50 કરોડના ડામર રોડના કામ તો ચોમાસામાં શરૂ પણ કરી શકવાના ન હતા. સરાકારે ગત વર્ષે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવી હતી. લાંબા સમયથી ગ્રાન્ટ પડી રહી હોવા છતાં ચોમાસાના સમયે જ રોડના કામ યાદ આવતા મંજૂરીની મહોર લગાવી હતી. ત્યારે આગામી 28મીના રોજ મળનારી સ્ટેન્ડિંગકમિટીમાં 13 કરોડથી પણ વધુ રોડના કામોને મંજૂરી અપાશે.
સ્ટ્રોમ લાઈનની અવ્યવસ્થા પણ તોડે છે રોડ
શહેરના મોટાભાગના તૂટેલા રોડ પાછળ શાસકો, તંત્ર અને એજન્સીની બેદરકારી તો છે જ પરંતુ સાથોસાથ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ લાઈન ની વ્યવસ્થા જ નથી. જેથી રોડ પર પાણી ભરાઈ રહેવાને કારણે રોડ તૂટી જાય છે.
પરાજુ, મોરમ નાખવાનું શરૂ છે, ઓકટોબર બાદ પેચવર્ક
વરસાદને કારણે બિસ્માર બનેલા રોડને રીપેરીંગ કરવા માટે રોડ વિભાગની ટીમ સતત કાર્યરત છે. હાલમાં જે રોડ તુટેલા હોય તેમાં પરાજુ અને મોરમ નાખવાનું કામ શરૂ છે. સરકાર દ્વારા રોડ રીપેરીંગ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. જેમાંથી ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં પેચ વર્કનું કામ હાથ ધરવામાં આવશે. - રવિરાજ લીંબોલા, કાર્યપાલક ઈજનેર રોડ વિભાગ
મોંઘુદાટ માસ્ટીક પણ ધુળ ધાણી, RCCમાં ગાબડા
છેલ્લા થોડા વર્ષોથી કોર્પોરેશનને આરસીસી રોડ પર માસ્ટીક આસ્ફાલ્ટનું ભૂત સવાર થયું છે. જે સામાન્ય પેવર રોડ કરતા વધુ ખર્ચાળ હોય છે. પીરછલ્લા વોર્ડમાં ગત વર્ષોમાં તેનું પ્રમાણ વધુ હતું. ભીડભંજન મહાદેવ સામે પણ આરસીસી પર માસ્ટીક કરેલું છે. પરંતુ હાલમાં આ માસ્ટીકની હાલત પેવર કરતાં પણ વધુ ખરાબ છે. મોટા મોટા ખાડા પડી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.