પોલીસ પર પથ્થરમારો:ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ધાર્મિક દબાણ હટાવવા મુદ્દે પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મંદિરોનું ડીમોલીશન કરાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • દબાણ હટાવ સેલ દ્વારા રાજવીર હનુમાનજી મંદિર તથા રખાદાદાનું મંદિરનું દબાણ હટાવવા જતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો
  • પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એરપોર્ટ રોડપર પુલ પાસે આવેલા ધાર્મિક દબાણો હટાવવા માટે દબાણ હટાવ સેલ પહોંચી હતી. જોકે, સ્થાનિકોએ વિરોધ કરી પોલીસ પર પથ્થરમારો કરતાં ભારે ચકચાર મચી હતી. જેને લઈ ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો કાફલો તથા પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિના આગમન પૂર્વે દબાણ હટાવવાનો નિર્ણય કરાયો
આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રી ગણ ભાવનગરની મુલાકાતે આવવાના છે. જેમાં રાષ્ટ્રપતિ ના રૂટપર સુભાષનગર સ્થિત પુલ પાસે બે ધાર્મિક દબાણો હોવાથી તેને હટાવવા કમિશ્નર મુકૂલ ગાંધીએ આદેશ કર્યો હતો. જેથી બીએમસીની દબાણ હટાવ સેલ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.

સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસ પર પથ્થરમારો કરાયો
બીએમસીની દબાણ હટાવ સેલ દ્વારા રાજવીર હનુમાનજી મંદિર તથા રખાદાદાનું મંદિરનું દબાણ હટાવવા જતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે આ મંદિર ન પાડવા જણાવ્યું હતું. પરંતુ ટીમ મક્કમ નિર્ધાર સાથે કાર્યવાહી હાથ ધરતા લોકોના ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી મામલો ગરમાયો હતો. આ બનાવની જાણ પોલીસ અધિકારીઓને થતાં એએસપી સહિત પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમા ભારે રોષ ફેલાયો હતો. ઘટના સ્થળે રાજકીય અગ્રણીઓ, વિશ્વહિંદુ પરિષદ, બજરંગદળ સહિતના અગ્રણીઓ પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...