જાયે તો જાયે કહાઁ?:સાંભળીએ મન કી બાત કે સંભળાવીએ ગ્રામસભામાં સમસ્યા, અસમંજસતા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કાર્યકરો અને સરપંચોને બેવડી ભીંસ, કાર્યકરો અને લોકો બન્ને રહ્યા કાર્યક્રમોમાં નિરસ
  • એકલ દોકલ આગેવાનોએ મન કી બાત સાંભળી ફોટા પડાવ્યા
  • ગ્રામસભામાં​​​​​​​ પ્રશ્નોનો નિકાલ નહીં થતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો, સભામાં કાગડા ઉડે છે

વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકાર અને શાસક પક્ષ દ્વારા નિત નવા ફંડા લાવી લોકોને રિઝવવાના પ્રયાસો થતા રહે છે. જે પૈકી હાલમાં ગ્રામસભાઓ ચાલી રહી છે. હજુ ગ્રામસભા શરૂ છે ત્યાં મન કી બાત આવ્યું અને ભાજપના કાર્યકરો તેમજ સરપંચોને મન કી બાતમાં માણસો ભેગા કરવાની સુચના આવી. ગ્રામસભામ‍ાં માણસો થતાં નથી ત્યાં મન કી બાતમાં પણ માણસો કરવાની બન્ને તરફથી ભીંસને કારણે બન્ને કાર્યક્રમો ઔપચારિક બની ગયાં હતા.

ભાવનગર જિલ્લામાં ગત 25 જુલાઈ થી શરૂ થયેલી ગ્રામસભા આગામી 6 ઠ્ઠી ઓગસ્ટ સુધી યોજાશે. 664 ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવાનું તંત્રનું આયોજન છે. ગ્રામસભા એ સર્વોચ્ચ છે. લોકસભા, વિધાનસભા અને ગ્રામસભા એ મુળભુત ખ્યાલ છે. સત્તાનું વિકેન્દ્રીકરણ સામુહિક વર્તુળ મુજબ થાય છે. પરંતુ ગ્રામસભામાં ગામની શાળાના આચાર્ય, આંગણવાડી વર્કર અને તલાટી કમ મંત્રી સિવાય કોઈ હાજર જ રહેતું નથી.

આજ સુધી જિલ્લા કે તાલુકા લેવલને ગ્રામસભામાં રજૂ થયેલા પ્રશ્નનો નોંધપાત્ર નિકાલ થયો નથી. જેથી લોકોને પણ વિશ્વાસ નહી રહેતા હવે ગ્રામસભામાં પાંખી હાજરી થવા લાગી છે. જેથી ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક રાજકીય કાર્યકરોને એન કેન પ્રકારે લોકોને રજૂઆત કરવા ગ્રામસભામાં મોકલી વધુ હાજરી દેખાડવા ભિંસ છે.

હજુ તે થાળે પડ્યું નથી ત્યાં વડાપ્રધાન મોદીની મન કી બાત આવી. જેથી તેમાં પણ વધુમાં વધુ કાર્યકરો અને ગ્રામજનોને ભેગા કરવા પક્ષનો આદેશ આવ્યો. જેથી ગ્રામ્યકક્ષાએ ભાજપના કાર્યકરો અને સરપંચો પર બેવડી ભિસ આવી હતી. બન્ને તરફથી માણસો ભેગા કરવાના દબાણને કારણે જિલ્લા કક્ષાના એક સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ રસ દાખવ્યો નહીં.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહુવા ખાતે મન કી બાતનો ટુ વે સંવાદ હોવાથી કાર્યકરોની ભીડ રહી હતી પરંતુ શહેર કક્ષાએ પાનના ગલ્લે, કોમર્શિયલ ઓફિસ, ચીજવસ્તુઓના વેચાણની દુકાન સહિતમાં એકલ દોકલ ભાજપના આગેવાનો કાર્યકરોએ મન કી બાત સાંભળતા હોય તેવો દેખાડો કરી ફોટા પડાવી સોશિયલ મિડીયામાં મુકી દીધા હતા. જેથી ખરેખર હેતું સિધ્ધ થયો નથી.

મન કી બાતમાં ડિહાઈડ્રેશન અને રમકડા ઉધોગ માટે મહુવાની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ માસના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા સમગ્ર દેશને સંબોધન કરે છે. જેમાં સમગ્ર દેશના 11 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ભાવનગર જિલ્લાના મહુવાની પણ પસંદગી કરવામાં આવી હતી. મહુવામાં 150 જેટલી ડિહાઇડ્રેશનની ફેક્ટરી અને 75000 ટન પાકો માલ નિકાસ થાય છે. વિશ્વમાં જરૂરીયાતના ડુંગળીના 75% માલ ભારત અને તે પૈકી 90% માલ મહુવામાંથી પુરો પાડવામાં આવે છે. તદુપરાંત મહુવાનો રમકડા ઉધોગ પણ ખ્યાતનામ છે. જેને કારણે મહુવા પર પસંદગી ઉતારી હતી. અને દૂરદર્શન પર પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...