ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10ની પરીક્ષાના આરંભે જ ગુજરાતીના પ્રશ્નપત્રમાં અનેક ભુલો આવતા ખળભળાટ મચી ગયો છે. એક તો બરકત વીરાણીનો અમર શેર સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી... આ શેર રઇશ મણિયારના નામે પુછાઇ જતા ભાંગરો વટાઇ ગયો હતો. આવી જ રીતે અન્ય ભુલો પણ નજરે આવી છે. જેમાં પ્રશ્નપત્રના વિભાગ Cમાં પ્રશ્ર્ન પુછાય છે કે "સાચી જોડણી શોધીને લખો" પ્રશ્નપત્રની અંદર જ 9 ભુલો નજરે પડી છે.(8 જોડણી ભુલ અને 1 અન્ય મોટી ભુલ). આથી વિદ્યાર્થીઓની ભુલો સુધારવાને બદલે બોર્ડે પોતે ભુલો ન કરો તે જોવું જરૂરી બની ગયું હોય તેવુ મને લાગી રહ્યું છે.
ધો.10માં પરીક્ષાની પહેલા દિવસે ગુજરાતીનું પેપર પૂર્ણ થયું. તેની સમીક્ષા કરીતો મને જણાયું કે પ્રશ્નપત્ર કાઢનારની સૌથી મોટી ભૂલ એ છે કે તેમણે પ્રશ્નપત્રના માળખાને ધ્યાને રાખ્યું જ નથી. બૉર્ડના પરિરૂપમાં કૃતિ અને કૃતિસંગ્રહ એવાં જોડકાં પૂછવાનો ઉલ્લેખ છે જ નહીં. અને છતાં પેપરમાં પૂછ્યું છે આ જાણે ખોટી રીતે વિદ્વતા બતાવવા ગયા હોય એવું લાગી રહ્યું છે ત્યારે બૉર્ડને પત્ર લખીને જણાવવું જોઈએ કે પ્રશ્નપત્રના માળખાની બહાર જઈને, તેની મર્યાદાને વટાવીને જ્યારે પેપર કાઢવામાં આવે તો એ વિદ્યાર્થીઓ સાથેનો એક અન્યાય જ કહેવાય.
એટલે આ 4 ગુણ જે વિદ્યાર્થીઓને નથી મળતા એ વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર છે. બીજીપણ અનેક ભૂલો છે. આપણે એ ભૂલોને કદાચ મુદ્રણભૂલ ગણીએ,પરંતુ પરિરૂપની જે ભૂલ છે એ તો ક્ષમ્ય નથી જ. વિદ્યાર્થીની પેપર લખવામાં કે કે શિક્ષકની પેપરના મૂલ્યાંકનમાં એક ભૂલ હોય, ક્યાંક ઉતાવળથી કોઈ સરવાળામાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો પણ એક ભુલના 1000 રૂપિયા દંડ કરવામાં આવે છે. ત્યારે પ્રશ્નપત્ર જેણે સેણ કર્યું તેની આવી મોટી ભૂલને કઈ રીતે માફ કરાય? આથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ બૉર્ડને પત્ર લખીને વિદ્યાર્થીઓને થતા નુકસાન માટેનો જવાબતો માગવો પડે અને તો જ આવી ભુલોનું પુનરાવર્તન ન થાય તેમ મારૂ માનવુ છે.
એક તરફ માતૃભાષાનો મહિમા, બીજી બાજુ ભુલો
ધો.10ના ગુજરાતીના પેપરમાં બરકત વિરાણી ‘બેફામ’ નો શેર ‘સફળતા જિંદગીની હસ્તરેખમાં નથી હોતી’ ને પ્રશ્ન પેપરમાં રઇશ મણીયારની બતાવાયો છે. સાહિત્ય જગતમાં બોર્ડના છબરડને લઇને ચર્ચા છે. કારણ કે કોઇ કવિની પંક્તિને પરીક્ષામાં અન્ય કોઇ કવિના નામે ચડાવી દેવામાં આવી છતા કોઇ અધિકારીઓનું ધ્યાન કેમ ન ગયું. આમ તો ગુજરાતમાં ગુજરાત માતૃભાષાને અને તેના શિક્ષણને વધુ દ્રઢીકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે ત્યારે જ ધો.10માં વ્યાકરણમાં 8 જેટલી ભુલો તો દેખાઇ આવી છે અને પરિપરૂપમાં પણ ફેરફાર કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.