વેરામાં રાહત:ભાવનગરમાં ખાનગી શાળા કોલેજોના અડધો અડધ મિલકત વેરામાં ઘટાડો કરવાની લીલીઝંડી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા કોલેજોની મિલકતોનો દર 3 માંથી 1.50 કરાયો, 180 મિલકતોને સવા બે કરોડની વેરામાં રાહત

ભાવનગર કોર્પોરેશનમાં મિલકત વેરામાં પરિસ્થિતિ અનુસાર રિબેટ યોજના અને તેમાં મુદત પણ વધારવામાં આવી છે પરંતુ ચોક્કસ હેતુ માટે અને તે પણ માત્ર 180 મિલકતો માટે માત્ર 10 દિવસ રિબેટ યોજનાની મુદતમાં વધારો કોર્પોરેશનમાં પ્રથમવાર બન્યું છે. જોકે, જે હેતુ માટે 10 દિવસ 10 ટકાની રિબેટ યોજના વધારવામાં આવી હતી તેમાં કોર્પોરેશનના શાસકો સફળ થયા છે.

શહેરની નોન ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોની મિલકતોમાં વેરાનો દર જે ભારાંક 3 હતો તેમાં સુધારો કરી 1.50 ને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી ખાનગી શાળા કોલેજોને અડધોઅડધ વેરામાં ઘટાડો થઈ જશે. અને 10 ટકા રિબેટનો લાભ પણ મળશે.

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની મિલકતનો ઉપયોગનો પરિબળ ફેરવી વર્ષ 2020-21 થી NU4ના ભારાંક 0.75 ને ફેરવીને NU2 એટલે કે ભારાંક 3 કરવામાં આવ્યો હતો. ખાનગી શાળા કોલેજોને એક સાથે ચાર સો ટકા જેટલા વેરા વધારાનો માર અસહ્ય લાગતાં અનેક વિરોધો વચ્ચે પણ વર્ષ 2020-21 નો વેરો ભરપાઈ પણ કર્યો હતો. પરંતુ કોરોના કાળમાં શૈક્ષણિક સંસ્થાઓ પર પણ આર્થિક બોજો વધતા સંસ્થાઓ દ્વારા વેરાનો દર ઘટાડવા માટે સતત રજૂઆતો કરવામાં આવતી હતી.

ગત 13મી જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ નોન ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોના ઉપયોગનું પરિબળ ફેરફાર કરી NU7માં ગુણાંક 1.50 સુધારો કરવા મંજૂરી આપવામાં આવી હતી આવી હતી અને તે જ પ્રમાણે કોંગ્રેસના વિરોધ વચ્ચે 31મી જાન્યુઆરીની સાધારણ સભામાં બહુમતીના જોરે મિલકતવેરાના દરમાં ઘટાડો કરવાને બહાલી આપી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યુ હતું. પરંતુ થોડા સમય પૂર્વે સરકારમાંથી પણ પરત આવ્યુ હતુ.

જેમાં નોન ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોને ભારાંક 3 માંથી ગુણાંક 1.50 મુજબનું પરિબળ ફેરફાર કરવા નામંજુર કરાયું હતું. ત્યારબાદ કોર્પોરેશનના શાસકો દ્વારા પુનઃ સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. નિર્ણય પેન્ડિંગ હતો. નાણાકીય વર્ષની શરૂઆત અને મિલકત વેરાની વસુલાત પણ શરૂ થઈ હતી. જેમાં 10 ટકા રીબેટનો લાભ મેળવવા માટે શાળા કોલેજોના સંચાલકો આતુર હતા. ભાજપ સંગઠનમાં પણ આ મુદ્દે ભારે ધમાસાણ થયું.

અંતે સંગઠનની સુચના બાદ 10 દિવસ માટે એટલે કે 10 મી મે સુધી 10 ટકા રીબેટની મુદત વધારવામાં આવી છે. જે હેતુ માટે મુદત વધારવામાં આવી હતી તે હેતુ સિદ્ધ થયો અને સરકારમાંથી પ્રાઇવેટ ટ્રસ્ટ કે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી નોનગ્રાન્ટેબલ શાળાઓ અને કોલેજો તથા તેને સંલગ્ન મિલકતો માટે ભારાંક રદ કરી મિલકત દરનો ગુણાંક 1.50 કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી અંદાજીત 180 જેટલી ખાનગી શાળા કોલેજો અને હવે અડધોઅડધ મિલકત વેરામાં ઘટાડો થશે. જ્યારે બીજી તરફ કોર્પોરેશનને અંદાજિત વર્ષે સવા બે કરોડની આવકમાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...